Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્રમાં 'મહા-આફત': ભેખડો ધસી : ૩૬ના મોત

આકાશી સુનામી ત્રાટકતા સમગ્ર રાજ્ય જળબંબાકારઃ જળપ્રલયની સ્થિતિઃ રાયગઢ જિલ્લામાં ભેખડો ધસી પડતા મોતનું તાંડવ : રાજ્યમાં નદી, નાળા, શહેરો, ગામો જળબંબાકારઃ અનેક ગામોનો સંપર્ક તૂટયોઃ રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં

મુંબઈ, તા. ૨૩ :. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જળપ્રલય જેવી સ્થિતિ ઉભી થઈ છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. આર્મી અને એનડીઆરએફ રાહત અને બચાવ કાર્ય માટે ઉતરી છે. આ દરમિયાન રાગયઢ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે ૩ અલગ અલગ જગ્યાએ ભેખડો ધસી પડતા ૩૬ લોકોના મોત થયા છે અને હજુ ૩૦થી ૪૦ જેટલા લોકો દટાયા હોવાનું માલૂમ પડે છે. અત્યાર સુધીમા ૩૦ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં મહાડ ગામમાં ભેખડો ધસી પડતા ૩૦ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધે તેવી શકયતા છે. ૭ લોકોના સાખર-સુતરવાડીમાં મોત થયા છે.

મહારાષ્ટ્રમાં અનેક સ્થળે નદી, નાળા, સરોવર છલકાય ગયા છે અને અનેક શહેરો અને ગામોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. ભીમાશંકર જ્યોતિર્લીંગ પણ જળમગ્ન બની ગયુ છે.

મહારાષ્ટ્ર સરકારની અપીલ બાદ મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડે અનેક રેસ્કયુ ટીમ અને હેલીકોપ્ટરોને મદદ માટે મોકલ્યા છે. રત્નાગીરી અને રાયગઢ જિલ્લામાં અનેક ટીમો રસ્તા માર્ગે રવાના થઈ છે.

રત્નાગીરી જિલ્લામાં ભારે વરસાદને કારણે શહેરની બે નદીઓ બે કાંઠે વહી રહી છે તો મુંબઈ-ગોવા હાઈવે પર મોજુદ બ્રિટીશકાળનો પૂલ બંધ કરી દેવાયો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા લાંજા શહેરમાં મોજુદ હેપ્પી ધાબા પણ પાણીમાં ડૂબી ગયો છે.

સતત વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યના વિદર્ભના વિસ્તારોમાં ત્રાહીમામ મચી ગયો છે. રત્નાગીરી, થાણે, કોલ્હાપુર, નાગપુર, અકોલા, નાસિકમાં આફતનો વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. નૌકાદળ પણ મદદમાં ઉતર્યુ છે.

(3:15 pm IST)