Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઝોમેટોઃ પહેલા જ દિવસે લોટરી લાગીઃ ૭૮% મળ્યું વળતર

૭૯ રૂપિયાનો શેર ૧૧૬ રૂપિયા પર ખૂલ્યો અને ૧૩૭ રૂપિયા સુધી પહોંચ્યોઃ શોર્ટ ટર્મ માટે રોકાણ કરનારાને પ્રોફિટ બુક કરી લેવાની સલાહ

મુંબઇ, તા.૨૩: ફુડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેર્સનું આજે ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. IPOમાં ૭૯ રુપિયાના ભાવે ઓફર કરાયેલા આ શેરમાં આજે પહેલા જ દિવસે રોકાણકારોને શેરનું લિસ્ટિંગ થયું તે ઘડીએ જ ૫૩ ટકાનું વળતર મળ્યું હતું. ઝોમેટોનો શેર આજે ૧૧૬ રુપિયાના ભાવે એનએસઈ પર ખૂલ્યો હતો અને શરુઆતના સોદામાં ૧૩૭ રુપિયાની સપાટીને પણ આંબ્યો હતો, આમ આજના દિવસની બપોરે ૧ વાગ્યા સુધીની સર્વોચ્ચ સપાટીની વાત કરીએ તો તેમાં ૭૮ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. શેરના ભાવ ઉપર ખૂલતા તેનું માર્કેટ કેપિટલ પણ ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.

દેશના અનેક શહેરોમાં મજબૂત નેટવર્ક ધરાવતી ઝોમેટો આઈપીઓ લાવનારી પહેલી આ પ્રકારની કંપની છે. તેનો ટિયર-ટુ અને ટિયર-થ્રી સિટીમાં થઈ રહેલો ગ્રોથ ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવી અપેક્ષાએ શેર્સનું બમ્પર ભાવે લિસ્ટિંગ થયું છે. જોકે, કેટલાક એકસપર્ટ્સ શોર્ટ ટર્મને ધ્યાનમાં રાખી આઈપીઓ ભર્યો હોય તેવા લોકોને હાલ પ્રોફિટ બુક કરી લેવા માટે સલાહ આપી રહ્યા છે, જયારે લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સે પણ હાલ આંશિક નફો બુક કરવાની સલાહ અપાઈ રહી છે.

આમ તો, આ શેરનું લિસ્ટિંગ ૨૭ જુલાઈએ થવાનું હતું, પરંતુ એલોટમેન્ટ ગુરુવારે જ ફાઈનલ થઈ જતાં તેનું શિડ્યૂલ પહેલા લિસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. ૯૬૦૦ કરોડનો આ આઈપીઓ માર્ચ ૨૦૨૦ પછીનો દેશનો સૌથી મોટો આઈપીઓ મનાઈ રહ્યો હતો જે ૩૮ ગણો ભરાયો હતો. રિટેલ ઈન્વેસ્ટર્સનો કવોટા ૭.૪૫ ગણો જયારે કવોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો કવોટા ૫૪ ગણો ભરાયો હતો.

ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપીન્દર ગોયલે શુક્રવારે રોકાણકારોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્ય રોમાંચક લાગી રહ્યું છે. મને નથી ખબર કે અમે સફળ થઈશું કે નિષ્ફળ જઈશું, પરંતુ એક વાત હું ચોક્કસ કહી શકું કે હંમેશની માફક અમે અમારું શ્રેષ્ઠ આપીશું. ઝોમેટોની શરુઆત ૨૦૦૮માં થઈ હતી, હાલ તે ૫૨૫ શહેરોમાં સેવા આપે છે, અને ૩.૯૦ લાખ રેસ્ટોરાં સાથે પાર્ટનરશીપ ધરાવે છે. કંપનીએ ૨૦૨૦-૨૧માં ૮૧૬ કરોડની ખોટ કરી હતી, જયારે તેના અગાઉના વર્ષમાં તેની ખોટનો આંકડો ૨,૩૮૫ કરોડ રુપિયા હતો.

(4:02 pm IST)