Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કથિત પેગાસસ જાસુસીકાંડ પ્રશ્‍ને ધ વાયરની ઓફિસ પર દિલ્‍હી પોલીસની જાંચ

જાસુસી કાંડનો અહેવાલ પ્રકાશિત થયા બાદ સંસદમાં પણ ધમાચકડી મચેલ : વિરોધ પક્ષો સતત તપાસની માંગણી કરી રહ્યા છે

નવી દિલ્‍હી :  દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવનાર કથિત પેગાસસ જાસૂસી કાંડમાં હજી અનેક નવા નામો સામે આવી રહ્યા છે ત્યારે દિલ્હી પોલીસ ભારતમાં પેગાસસ સ્પાયવૅર થકી જાસૂસીનો અહેવાલ છાપનાર સમાચાર વેબસાઇટ ધ વાયરની ઑફિસ પર પહોંચી છે.

ભારતમાં ધ વાયર દ્વારા પ્રકાશિત અહેવાલમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મમતા બેનરજીના ભત્રીજા, પ્રશાંત કિશોર, મોદી સરકારના અમુક મંત્રીઓ, 40થી વધારે પત્રકારો, અનિલ અંબાણી, પૂર્વ ચીફ જસ્ટિસ પર આરોપ યૌનશોષણનો આરોપ મૂકનાર મહિલાઓ સહિત અનેક અન્ય નામાંકિત લોકોનાં ફોનની જાસૂસી થઈ હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.

દુનિયાની અનેક સમાચાર સંસ્થાઓએ 50 હજાર નંબરોની કથિત જાસૂસીનો અહેવાલ પ્રકાશિત કર્યો, ભારતમાં આ અહેવાલ ધ વાયરે પ્રકાશિત કર્યો છે અને તેને લઈને સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે.

એમણે લખ્યું, "પેગાસસનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ધ વાયરની ઑફિસ માટે આ કોઈ સામાન્ય દિવસ નથી. પોલીસકર્મીઓ આજે નિરર્થક સવાલો સાથે આવ્યા...વિનોદ દુઆ કોણ છે? સ્વરા ભાસ્કર કોણ છે? શું અમે તમારો ભાડાકરાર જોઈ શકીએ? શું હું આરફા સાથે વાત કરી શકું છું? - જ્યારે એ પૂછવામાં આવ્યું કે તમે કેમ આવ્યા છો? તો જવાબ હતો '15 ઑગસ્ટને ધ્યાનમાં લઈને સામાન્ય નિરીક્ષણ છે' અજબ વાત છે."

પેગાસસથઈ ફોનમાં રહેલી તમામ માહિતી ગુપ્ત રીતે બીજે પહોંચી જાય છે.

દિલ્હી પોલીસે ધ વાયરની ઑફિસ પર પોલીસકર્મીઓનું પહોંચવું એક સામાન્ય નિરીક્ષણ ગણાવ્યું છે.

બીબીસી સાથે વાત કરતા નવી દિલ્હીના ડીસીપી દીપક યાદવે કહ્યું કે, દિલ્હીમાં સ્વતંત્રતાદિનને ધ્યાને લઈને આંતકવાદવિરોધી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેમાં ભાડૂઆતોની ચકાસણી ગેસ્ટ હાઉસની તલાશી વગેરે સામેલ છે. સ્થાનિક બીટ ઑફિસર એક ચકાસણી માટે ગયા હતા જ્યાં પ્રવેશ સ્થળે કોઈ સાઇન બોર્ડ ન હતું.

બીબીસીએ પૂછ્યુ કે શું વિનોદ દુઆ, સ્વરા ભાસ્કર કે આરફા ખાનમ સંબંધિત સવાલ કરવામાં આવ્યા હતા એના જવાબમાં ડીસીપી દીપક યાદવે કહ્યું, ના એવો કોઈ સવાલ કરવામાં આવ્યો નથી

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે દૈનિક ભાસ્કર સમૂહની ઑફિસો પર અને ઉત્તર પ્રદેશની સમાચાર ચેનલ ભારત સમાચાર પર છાપામારી થઈ જેને લઈને વિવાદ થયો હતો. ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.

પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો અહેવાલ વૉશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્ડિયન, લા મોંદે અને અન્ય 14 મીડિયા હાઉસે રવિવારે પ્રકાશિત કર્યો છે. ભારતમાં આ અહેવાલ ધ વાયર દ્રારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આખી દુનિયામાં અનેક પત્રકારો, નામાંકિત લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા, જેમાં ભારતના અનેક લોકોનો સમાવેશ થાય છે. ભારતમા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મોદી સરકારના અમુક મંત્રીઓ, મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી, પ્રશાંત કિશોર વગેરે સહિને અનેક નામાંકિત લોકોનાં નામ કથિત જાસૂસીમાં ચર્ચાઈ રહ્યાં છે.

આ મામલે વિપક્ષે અમિત શાહના રાજીનામાની અને તપાસની માગણી કરી છે તો ભારત સરકાર આ અહેવાલને નકારી ચૂકી છે.

આરોપ છે છે કે સોફ્ટવૅર પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસને અસર કરે છે અને તેનું સંચાલન કરનાર જે તે ફોનના મૅસેજિસ, ફોટો, ઇમેલ, કૉલ રૅકર્ડ તમામ વિગતો લઈ શકે છે તથા એક ગુપ્ત માઇક્રોફોન પણ ઍક્ટિવ થઈ જાય છે.

આ જાસૂસી ઇઝરાયલની સર્વેલન્સ કંપની એનએસઓ દ્વારા તાનાશાહી સરકારોને વેચવામાં આવેલી તકનીકથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, કંપની આનો ઇનકાર કરે છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ એનએસઓને ટાંકીને કહ્યું છે કે પેગાસસ સ્પાયવૅર દ્વારા ફોનની જાસૂસીનો અહેવાલ "ખોટી ધારણાઓ પર" અને "પુષ્ટિ વિનાની થિયરી" પર આધારિત છે.

(10:32 pm IST)