Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ફરી વધ્યા કોરોનાનો ગ્રાફ

૨૪ કલાકમાં ૩૧,૯૨૩ નવા કેસઃ ૨૮૨નાં મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧,૩૮,૨૦૫ લોકોને કોરોનાની રસી અપાઈઃ ભારતમાં કુલ ૮૩ કરોડથી વધુ ડોઝ અપાયા

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એકિટવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ૧૮૭ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં ૧૯,૬૭૫ કેસ નોંધાયા છે અને ૧૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૯૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૨૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૩,૩૯,૯૦,૦૪૯ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૧,૩૮,૨૦૫ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૧૫ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૯૯૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૬૦૪ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૦૫૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૮૩,૬૭,૦૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૨૭,૪૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૧૫ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ફકત ૧૩૩ એકિટવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે ૧૩૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજયમાંથી ૮,૧૫,૫૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જયારે કુલ ૧૦૦૮૨ દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજયમાં એક પણ મોત થયું નથી.

(11:04 am IST)