Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ તપાસનો ધમધમાટ : વાયા ગુજરાત, દિલ્હી થઇ ડ્રગ્સ શ્રીલંકા અને નેપાળ પહોંચવાનું હતું

૮ શહેરોમાં દરોડા : ૮ શખ્સોની ધરપકડ સાથે કુલ ૩૦૦૪ કિલો હેરોઇન જપ્ત : કરોડોની હેરફેરી સાથેના ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટમાં વૈશાલી અને સુધાકર માત્ર મહોરા ? : કસ્ટમ હાઉસ એજન્ટ, બેંક વ્યવહારઃ ફોરેન એકસચેન્જ અને આયાત નિકાસના ધંધાની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન અપાયું છે. તે અનુસાર મુન્દ્રા પછી દિલ્હીમાં પડેલ દરોડામાં વધુ ૧૬ કિલો હેરોઈન, નોઇડામાંથી ૧૦ કિલો કોકેઇન ઝડપાતાં કુલ ૩૦૦૪ કિલો હેરોઈન તેની કિંમત રૂ. ૨૨૦૦૦ કરોડ ઉપર હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત મુન્દ્રા હેરોઈન પ્રકરણ સંદર્ભે દેશના ૮ શહેરો ગાંધીધામ, દિલ્હી, નોઈડા, ચેન્નાઇ, કોઇમ્બતુર, અમદાવાદ, માંડવી, વિજયવાડામાં દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી ૮ જણાની ધરપકડ કરાઈ છે જેમાં ૪ અફઘાની, ૧ ઉઝબેકી નાગરિક અને ત્રણ ભારતીયો છે. જોકે, ૨૨ હજાર કરોડનું ડ્રગ્સ મંગાવનાર વૈશાલી અને સુધાકર દ્વારા આથી અગાઉ પણ કરોડોનું ડ્રગ્સ મંગાવાયું હોવાનું ખુલ્યું છે.

ત્યારે એ અંગે તપાસ કરવાની જરૂર છે કે, આ કૌભાંડમાં અન્ય મોટા માથા કોણ છે? વૈશાલી અને સુધાકર માત્ર મહોરા જ છે? કરોડો રૂપિયાનો નાણાકીય વ્યવહાર, કસ્ટમ હાઉસ એજન્ટ દ્વારા કલિયરિંગ ઉપરાંત ધંધાકીય વ્યવહાર તપાસાય તો કૌભાંડની ઘણી કડીઓ ખુલશે.

ચોંકાવનારી વિગતો પ્રમાણે ગુજરાતને લેન્ડિંગ પોઇન્ટ બનાવીને આ ડ્રગ્સ દિલ્હી થઈ નેપાળ અને શ્રીલંકા પહોંચાડવાનું હતું.

(11:08 am IST)