Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જોડિયા જળબંબાકાર ૮ ઇંચ વરસાદ

ધ્રોલમાં પોણા ર, જામનગરમાં જોરદાર ઝાપટા : જામનગર જીલ્લાનાં અમુક વિસ્તારમાં ફરી મેઘરાજા મહેરબાન : સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપ-છાંવ યથાવત

જોડિયા પાણી... પાણી.... : જોડિયા : જામનગર જીલ્લાના જોડિયામાં આજે સવારથી દે ધનાધન વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. (તસ્વીરઃ અહેવાલ : રમેશ ટાંક-જોડિયા)

રાજકોટ, તા. ર૩ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે જામનગર જીલ્લાના જોડિયામાં સવારે ૬ થી ૮ માં ર કલાકમાં પ ઇંચ વરસાદ વરસ્યા બાદ સવારે ફરી વધુ પોણો ઇંચ વરસાદ વરસતા આજે સવારના ૬ થી ૧ર દરમિયાન ૬ કલાકમાં ૮ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.

ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

જોડીયા

(મુકુંદ બદિયાણી - રમેશ ટાંક દ્વારા) જામનગર - જોડીયા તા.૨૩, જામનગર જિલ્લાના જોડીયામાં છ કલાકમાં દે ધનાધન આઠ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આજ સવારે ૬ થી ૮ વચ્ચે જોડિયા વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર ૫ ઈચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે આજે સવારથી મેઘાવી માહોલ બરાબરનો જામ્યો હતો અને ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા બે કલાકમાં ૫  ઈચ વરસાદ વરસતા જ્યાં  નજર કરો ત્યાં પાણી પાણી પાણી થઇ ગયું છે

બે કલાકમાં ૧૨૮ મી.મી. વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં પોણા ર ઈંચ વરસાદ વરસ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  આજનું હવામાન ૩ર.ર મહતમ ર૬ લઘુતમ ૯ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જામનગરમાં સવારે ૯ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને એકાદ કલાકમાં ઝાપટા રૂપે વરસાદ વરસી ગયો હતો.

જામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના હડીયાણામાં પોણો ઇંચ પીઠડમાં અડધો ઇંચ, ધ્રોલના લતીપુર અને લૈયારામાં દોઢ ઇંચ તથા જામનગરના ફલ્લામાં ઝાપટા વરસ્યા છે.

આજે સવારનાં ૬ થી ૧ર દરમિયાન જોડિયામાં ૮ ઇંચ, ધ્રોલમાં પોણો ર ઇંચ વરસાદ પડયો છે જયારે જામનગરમાં ૩ મીમી વરસાદ પડયો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા-મીઠાપુર અને દ્વારકામાં પણ ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં કલ્યાણપુર અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર જીલ્લાના ધ્રોલમાં સવારે પોણો ઇંચ વરસાદ વરસ્યા બાદ વધુ દોઢ ઇંચ વરસાદ વરસતા સવારથી બપોર સુધીમાં ર ઇંચ વરસાદ પડ્યો છે.

જુનાગઢ જીલ્લાનાં જુનાગઢ શહેર તથા રાજકોટ જીલ્લાના જેતપુર અને પડધરી તેમજ અમરેલી જીલ્લાના બગસરા તથા મોરબી જીલ્લાના ટંકારામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

ભાયાવદર

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર : ભાયાવદરમાં કાલે બપોરે રાા થી ૩ાા કલાક સુધીમાં દોઢ કલાકમાં દે ધનાધન ર ઇંચ વરસાદ પડી જતા શહેરમાં જળબંબાકાર બની ગયો હતો. આજુબાજુના ગામડાઓમાં પણ ર થી ૩ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

જામનગરના ફલ્લામાં ર ઇંચ વરસાદ

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા.ર૩ : જામનગર જીલ્લાના ફલ્લામાં આજે સવારના ૬ થી બપોરના ૧૧ વાગ્યા સુધીમાં ર ઇંચ વરસાદ વરસ્યો છે.

આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું અને મેઘરાજા તૂટી પડયા હતા. અને ર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતુ઼. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જાયવામાં રાતથી એકધારો એકાદ ઇંચ વરસાદ

રાજકોટ-જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીક આવેલ સવારે ૪થી સતત પાણી પડે છે : અત્યારે ૧૧:૩૦ વાગે ધોધમાર પડી રહયો છેઃ એકાદ ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળ્યું છે.

(2:52 pm IST)