Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

લોકડાઉનનો વિરોધ કરનારા પર રબ્બર બૂલેટ્સ છોડાઈ

ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનનો વધતો વિરોધ : વેક્સિનના બે ડોઝ લેનારાને કામની મંજૂરીના વિરોધમાં બાંધકામ સેક્ટરમાં કામ કરતા હજારો કર્મચારી રસ્તા પર

મેલબોર્ન, તા.૨૩ : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોનાના રોજ ૧૬૦૦ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે મોટા શહેરોમાં સખ્ત લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. બીજી તરફ મેલબોર્નમાં લોકડાઉન સામે થઈ રહેલા દેખાવોએ હિંસક વળાંક લીધો છે અને દેખાવકારો પર પોલીસે રબરની બુલેટ્સ ફાયર કરી હતી.

લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. પોલીસે ૨૭ દેખાવકારોની ધરપકડ કરી છે. દરમિયાન કેટલાક શહેરોમાં જેમણે વેક્સીન લીધી હોય તેવા કર્મચારીઓને કામ કરવાની મંજૂરી અપાઈ છે. જેના વિરોધમાં બાંધકામ સેક્ટરમાં કામ કરતા હજારો કર્મચારીઓ રોડ પર ઉતર્યા હતા. તેમનુ કહેવુ હતુ કે, એક તો કોરોનાએ કમર તોડી નાંખી છે અને બીજી તરફ સરકારે માત્ર વેક્સીનના બે ડોઝ લેનારા લોકોને કામ કરવાની પરવાનગી આપી છે. આવામાં તો અમે ભૂખ્યા મરી જઈશુ. મેલબોર્નમાં હિંસક દેખાવોના કારણે પોલીસને રબરની બુલેટ્સ ફાયર કરવાની ફરજ પડી છે. જોકે પછી પણ દેખાવકારો પ્રદર્શન ચાલુ રાખે તેવી વકી છે.

(7:32 pm IST)