Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કીવીની ટીમની સુરક્ષા ટીમના ભોજનમાં ૨૭ લાખનો ખર્ચ

ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરતા પાક. બોર્ડને ફટકો : હોટલમાં આઠ દિવસ સુધી રોકાયેલી ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષામાં ૫૦૦ કર્મીને દિવસમાં બે વાર બિરયાની અપાઈ

કરાંચી, તા.૨૩ : સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડ મેચ અગાઉ પાકિસ્તાન છોડીને પાછી ફરી ગઈ અને ઈંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો. બે દેશો દ્વારા રીતે મેચ રદ્દ થવાને કારણે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે રોષે ભરાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાએ પણ આકરા શબ્દોમાં નિર્ણયની ટીકા કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સમગ્ર બાબત માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલી ટીમની ખાણી-પીણી પર ૨૭ લાખ રુપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ અનુસાર, ઈસ્લામાબાદની એક હોટલમાં આઠ દિવસ સુધી રોકાયેલી ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષામાં લગભગ ૫૦૦ પોલીસકર્મી તૈનાત હતા. તેમના માટે દિવસમાં બે વાર બિરયાની મોકલવામાં આવતી હતી.

દિવસનું તેમનુ બિલ ૨૭ લાખ રુપિયા થયું છે. બન્ને ટીમની પ્રથમ વનડે મેચ રાવલપિંડીમાં રમાવાની હતી, પરંતુ તે પહેલા સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડની ટીમ પોતાના દેશ પાછી ફરી ગઈ હતી. મેચ રદ્દ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થવાનું છે. બિરયાની માટેનું ૨૭ લાખ બિલ તો માત્ર શરુઆત છે, સિવાય ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા માટે ફ્રંટિયર કોન્સટેબ્યુલરી જવાનોની મદદ લેવામાં આવી હતી, જેનો ખર્ચો પણ પાકિસ્તાને ઉઠાવવો પડશે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ બુધવારના રોજ દાવો કર્યો કે ન્યુઝીલેન્ડની ટીમને ધમકીભર્યો ઈમેઈલ મુંબઈથી મોકલવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ઈમેઈલ આઈડીને ભારતમાં બનાવવામાં આવ્યું અને સિંગાપોરના આઈપી એડ્રેસના માધ્યમથી મેઈલ કરવામાં આવ્યો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચીફ રમીઝ રઝાએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે જાણે અમારો પ્રયોગ કરીને અમને ફેંકી દેવામાં આવ્યા. ન્યુઝીલેન્ડની મેચ કેન્સલ થયા પછી અમને ઈંગ્લેન્ડથી આશા હતી. અમને આશા હતી કે તે જૂની મિત્રતાને ધ્યાનમાં રાખશે. ટૂર કેન્સલ નહીં કરે, પણ અમે ખોટા સાબિત થયા. ઈસીબી પાસે ક્રિકેટ સમૂદાયના અન્ય સભ્યોની મુશ્કેલ સમયમાં મદદ કરવાની તક હતી, પરંતુ તેઓ ચૂકી ગયા.

(7:33 pm IST)