Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આસામમાં ગેરકાયદે વસાહતીઓને હટાવવા જતા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ : બે લોકોના મોત : 9 પોલીસકર્મી ઘાયલ

રકારે દરાંગ જિલ્લાના ઢોલપુર ગોરખુટી ગામમાં મોટા પાયે અભિયાન ચલાવ્યુ હતુ. જેમાં 800 પરિવાર બેઘર થયા

દિસપુર: આસામના દરાંગ જિલ્લાના ઢોલપુર ગોરખુટીમાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ અથડામણમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા છે. 9 પોલીસ કર્મીઓના ઘાયલ થવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસ અને લોકો વચ્ચે આ અથડામણ ત્યારે થઇ જ્યારે સુરક્ષા કર્મીઓની એક ટીમ ગેરકાયદેસર અતિક્રમણકારીઓને હટાવવા માટે વિસ્તારમાં ગઇ હતી.

આસામ સરકારે દરાંગ જિલ્લાના ઢોલપુર ગોરખુટી ગામમાં મોટા પાયે અભિયાન ચલાવ્યુ હતુ. જેમાં 800 પરિવાર બેઘર થઇ ગયા હતા. સરકારનો દાવો છે કે આ લોકો અહિ ગેરકાયદેસર રહેતા હતા. આ ગામમાં મોટા ભાગે પૂર્વી બંગાળ મૂળના મુસ્લિમ રહે છે.

જિલ્લાના એસપી સુશાંત બિસ્વા સરમાએ કહ્યુ કે હિંસામાં 9 પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે, તેમણે જણાવ્યુ કે અત્યાર સુધીની સૂચના અનુસાર બે પ્રદર્શનકારીઓને ગોળી લાગી છે જેમણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. 9 પોલીસ કર્મી પણ હુમલામાં ઘાયલ થયા છે.

જાણકારી અનુસાર, આ ગામમાં પ્રથમ વખત જૂનમાં આવુ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ, જે બાદ ફેક્ટ ફાઇંડિંગ કમિટીએ અહીનો પ્રવાસ કર્યો હતો. કમિટીએ જણાવ્યુ કે આ અભિયાનમાં 49 મુસ્લિમ પરિવાર અને એક હિન્દૂ પરિવારને અહીથી હટાવવામાં આવ્યા હતા. સ્થાનિક અખબાર અનુસાર, ગામની 120 વીઘા જમીનને ખાલી કરાવવામાં આવી હતી, જે પ્રાચીન શિવ મંદિર સાથે જોડાયેલી હતી.

જોકે, સોમવારે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. ઢોલપુર ગોરૂખુટીના રહેવાસીઓએ જણાવ્યુ કે પરિવારની સંખ્યા 900થી વધારે છે અને તેનાથી 20 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

(7:33 pm IST)