Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

હસ્‍ત નક્ષત્ર, શુક્‍લ-બ્રહ્મ યોગમાં શરૂ થશે શારદીય નવરાત્રી

આરાધનાનું પર્વ : આદ્યશકિતનાં મંદિરોમાં મહોત્‍સવની રોનક દેખાશે : ઘટસ્‍થાપન માટે સવારે ૬:૩૮ થી ૮:૧૭ સુધીનું મુહૂર્ત

મુંબઇ,તા. ૨૩ : કોરોનારૂપી મહામારીએ બે વર્ષ સુધી વિવિધ તહેવાર, પર્વની રોનક છીનવી લીધી હતી. જેમાં હવે ગણેશોત્‍સવની રંગારંગ ઉજવણી બાદ સોમવારે ૨૬ સપ્‍ટેમ્‍બરથી શરૂ થનારા નવરાત્રિ પર્વને લઇને આબાલવૃદ્ધ સૌમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન આ વર્ષે હસ્‍ત નક્ષત્ર અને શુક્‍લ-બ્રહ્મ યોગમાં શારદીય નવરાત્રિનો આરંભ થશે. તે સાથે જ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાં ગરબા, દોઢિયા અને દાંડિયારાસની રમઝટ જોવા મળશે. આ વર્ષે કોઇ ક્ષય કે વૃદ્ધિ તિથિ વિના ૯ દિવસની પૂર્ણ નવરાત્રિ ઉજવાશે. આદ્યશક્‍તિનાં મંદિરોમાં સોમવારે સવારે ઘટસ્‍થાપન સાથે જ મહોત્‍સવની રોનક દેખાશે.

આદ્યશક્‍તિની આરાધનાના પવિત્ર અવસર એવા નવરાત્રિને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખેલૈયાઓ છેલ્લા ચાર મહિનાથી ગરબા ક્‍લાસિસમાં પ્રેક્‍ટિસ કરી દોઢિયા, દાંડિયારાસ, ગરબાની રમઝટ બોલાવવા માટે થનગની રહ્યા છે. બીજી બાજુ મંદિરોમાં પણ નવરાત્રીની મહાપર્વ તરીકે ઉજવણી કરવા માટે હોડ જામી છે. દરમિયાન સોમવારે આસો સુદ એકમ નિમિત્તે હસ્‍ત નક્ષત્ર અને શુક્‍લ-બ્રહ્મ યોગમાં નવરાત્રિ પર્વ શરૂ થશે એવો મત જયોતિષી આપી રહ્યા છે. મહારાજ ભાવિન પંડયાના જણાવ્‍યા મુજબ, સોમવારે મધરાત્રીએ ૩.૦૯ સુધી પડવાની તિથિ છે. સોમવારે આખો દિવસ અને મંગળવારે વહેલી સવારે ૬.૧૭ વાગ્‍યા સુધી હસ્‍ત નક્ષત્ર છે. આ નક્ષત્ર શુભ ગણાય છે. સોમવારે સવારે ૮.૦૫ વાગ્‍યા સુધી શુક્‍લ યોગ અને સવારે ૬.૪૩થી મંગળવારે સવારે ૫.૦૩ વાગ્‍યા સુધી બ્રહ્મ યોગ છે. સોમવારે બપોરે ૩.૨૦ વાગ્‍યા સુધી કિસ્‍તુઘ્‍ન કરણ અને પછી બાલવ કરણ રહેશે.

માતાજીના ઘટસ્‍થાપન માટે સવારે ૬.૩૮ વાગ્‍યાથી ૮.૧૭ વાગ્‍યા સુધીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે, જયારે અભિજીત મુહૂર્ત બપોરે ૧૨.૧૫થી ૧.૧૩ વાગ્‍યા સુધીનું છે. આ દિવસે અંકુરારોપણ, મહારાજા અગ્રસેન જયંતી, સવારે ૬.૩૮થી મધરાત્રિએ ૩.૦૯ વાગ્‍યા સુધી કુમારયોગ રહેશે. આ વર્ષે નવરાત્રીમાં કોઇ ક્ષય કે વૃદ્ધિ તિથિનો સંયોગ રહેશે નહીં. ૯ દિવસ અને ૯ તિથિ સાથેની પૂર્ણ નવરાત્રિ ઉજવાશે. નવરાત્રી પર્વ વેળાએ ક્રમશ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્‍કંદમાતા, કુષ્‍માંડા, ચંદ્રઘંટા, કાત્‍યાયની દેવી, મહાગૌરી દેવી, કાલરાત્રિ દેવી અને સિદ્ધિદાત્રી દેવી એમ આદ્યશક્‍તિના વિવિધ સ્‍વરૂપની પૂજા, આરતી થશે. નવરાત્રીના વિશેષ દિવસોમાં ૩ ઓક્‍ટોબરના રોજ દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી, હવનાષ્ટમીની ઉજવણી થશે. જયારે ૪ ઓક્‍ટોબરે મહાનવમી સાથે નવરાત્રીનું સમાપન થશે. ૫ ઓક્‍ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા પર્વની ઉજવણી થશે. (૨૨.૫)

૨૫મીએ સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષનું સમાપન થશે

હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મ્‍ય ધરાવતું શ્રાદ્ધ પક્ષ હાલમાં ચાલી રહ્યું છે. જેમાં ૨૫ સપ્‍ટેમ્‍બરના રવિવારે સર્વપિતૃ અમાસ રહેશે. જયોતિષીના જણાવ્‍યા મુજબ, દરેક મહિનામાં આવતી અમાવસ્‍યા તિથિનું હિન્‍દુ ધર્મમાં મહત્ત્વ છે, પરંતુ પિતૃ પક્ષ દરમિયાન આવતી સર્વપિતૃ અમાવસ્‍યાનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે, કારણ કે, આ તિથિએ તમામ પૂર્વજોને શ્રાદ્ધ, પિંડદાન આપવામાં આવે છે. રવિવારે આવતી સર્વપિતૃ અમાસ વેળાએ પિંડદાન, સેવાકાર્ય, દાન માટે સવારે ૯.૨૯થી ૧૦.૫૯, બપોરે ૧૧થી ૧૨.૩૦ અને બપોરે ૨.૦૧થી ૩.૩૧ વાગ્‍યા સુધીનું મુહૂર્ત સારું છે. રવિવારે સર્વપિતૃ અમાસ બાદ સોમવારથી નવરાત્રિ પર્વનો રંગારંગ આરંભ થશે.

(10:15 am IST)