Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કેરળના વિવિધ ભાગોમાં હિંસા, પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ ફેંકાયોઃ દરોડાના વિરોધમાં પીએફઆઇ સમર્થકોની ગુંડાગીરી

તિરૂવનંતપુરમઃ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સાથે સંકળાયેલા લોકોને ત્યાં એનઆઇએ અને  ઇડીએ ગુરૂવારે દરોડાઓ પાડયા હતા. કેન્દ્રિય તપાસ એજન્સીઓએ ટેરર ફંડીંગ અંગે પીએફઆઇના ઘણા લોકોની ધરપકડ પણ કરી છે. કેન્દ્રિય એજન્સીઓની આ કાર્યવાહી વિરૂધ્ધ પીએફઆઇએ શુક્રવારે કેરળ બંધનું એલાન આપ્યુ છે. પીએફઆઇ દ્વારા બંધમાં કેરળના વિભીન્ન ભાગોમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. તિરૂવનંતપુરમમાં બંધનું સમર્થન કરનાર લોકોએ એક ઓટો રીક્ષા અને કારને નુકશાન પહોંચાડયુ હતું.

કેરળના તિરૂવનંતપુરમ, કોલ્લમ, કોઝીકોડ, વાયનાડ અને અલાપ્યુઝા સહિતના વિભીન્ન જીલ્લાઓમાં કેરળ રાજય પરિવહન નિગમની બસો પર પથ્થરમારો કરાયો હતો. સ્થાનિક મીડીયા અનુસાર, સવારે કુન્નુરના નારાયણપરામાં વિતરણ માટે અખબારો લઇ જતા એક વાહન પર પેટ્રોલ બોંબ ફેંકાયો હતો. અલાખુઝામાં કેરળ એસટીની બસ, એક ટેન્કર અને કેટલાક અન્ય વાહનો પર પીએફઆઇ સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. કોઝીકોડ અને કન્નૂરમાં પીએફઆઇ કાર્યકરો દ્વારા કરવામાં આવેલ પથ્થરમારામાં એક ૧૫ વર્ષની છોકરી અને એક ઓટો રીક્ષા ચાલકને સામાન્ય ઇજાઓ થઇ હતી.તો બીજી તરફ કેરળ પોલીસે રાજયમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરી નાખ્યો છે અને પીએફઆઇ દ્વારા રાજયવ્યાપી બંધના એલાન પછી જીલ્લા પોલીસ વડાઓને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના આદેશો અપાય છે. પોલિસ તરફથી જાહેર કરાયેલ સ્ટેટમેન્ટમાં કહેવાયુ છે કે કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાક્રમથી માહિતગાર લોકો અનુસાર, દેશભરમાં દરોડા દરમ્યાન સૌથી વધારે ૨૨ ધરપકડો  કેરળમાં થઇ છે. ગીરફતાર કરાયેલ લોકોમાં પીએફઆઇ વિચારક પી.કોયા, રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએ સલામ, રાષ્ટ્રીય સચિવ નસરૂદીન એલમારોમ અને પ્રદેશ અધ્યક્ષ સી પી મોહમ્મદ બશીર સામેલ છે. ધરપકડ કરાયેલ લોકો પર આતંકવાદીઓને ફંડીંગ, યુવાઓને અશાંત વિસ્તારોમાં મોકલવા, દેશના અલગ અલગ વિસ્તારોમાં અશાંતિ ફેલાવવી અને હિંસા ફેલાવવાના આરોપો લગાવાયા છે.

(3:33 pm IST)