Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સરકાર નૌ સેના માટે ૧૭૦૦ કરોડના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

બ્રહ્મોસ મિસાઈલ ઘાતક હથિયારો પૈકીનુ એક છે : આ બ્રહ્મોસ મિસાઈલ્સ યુદ્ધ જહાજો પર તૈનાત કરાશે અને તેની મારક ક્ષમતા ૨૯૦ કિલોમીટરની હશે

નવી દિલ્હી, તા.૨૩ : બ્રહ્મોસ મિસાઈલ ભારતના સૌથી ઘાતક હથિયારો પૈકીનુ એક છે. જેના કારણે અન્ય દેશો પણ આ મિસાઈલ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે. હવે ભારતીય નૌસેનાની જરૃરિયાત પુરી કરવા માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ બનાવતી કંપની બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે ૧૭૦૦ કરોડ રૃપિયાના બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે ડીલ કરી છે.

તેનાથી નૌસેનાની જરૃરિયાતને પુરી કરવામાં આવશે. આ મિસાઈલ્સ યુધ્ધ જહાજો પર તૈનાત કરાશે અને તેની મારક ક્ષમતા ૨૯૦ કિલોમીટરની હશે. સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે આ સોદાના પગલે નૌસેનાની ક્ષમતામાં વધારો થશે અને ઘરઆઁગણે ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગોની ભાગીદારી વધશે.

અત્યાર સુધીમાં બ્રહ્મોસ ખરીદવા માટે ભારતીય સેનાની ત્રણે પાંખ ૩૮૦૦૦ કરોડ રૃપિયાના કોન્ટ્રાક્ટ કરી ચુકી છે. આ મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી ઝડપે ઉડી શકે છે.

શરુઆતમાં તેની રેન્જ ૨૯૦ કિલોમીટરની હતી પણ હવે આ રેન્જ વધારીને ૩૫૦ થી ૪૦૦ કિલોમીટર કરવામાં આવી છે. ૮૦૦ કિલોમીટરની રેન્જ વાળા વેરિએન્ટ પર પણ કામ ચાલી રહ્યુ છે. વધારે રેન્જ વાળી મિસાઈલનુ ગયા વર્ષે ભારતીય નૌસેનાએ પરીક્ષણ પણ કર્યુ હતુ. અત્યારે ૧૦ યુધ્ધ જહાજો પર બ્રહ્મોસ તૈનાત છે અને બીજા પાંચ જહાજો પર વર્ટિકલ લોન્ચ સિસ્ટમ લગાવાઈ છે. આર્મીની બ્રહ્મોસને લદ્દાખ અને અરુણાચલ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે.

ભારત સાથે બ્રહ્મોસ ખરીદવા માટે ફિલિપાઈન્સ ૨૭૭૦ કરોડ રૃપિયાની ડીલ ફાઈનલ કરી ચુકયુ છે.

(7:24 pm IST)