Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બજેટમાં સ્વાસ્થ્ય પાછળની ફાળવણી વધશે

સરકાર ૫૦ ટકા જેટલી ફાળવણી વધારે તેવી શકયતાઃ ઈન્ફ્રા. ઉપર પણ ભાર મુકાશે

નવી દિલ્હી, તા. ૨૩ :. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં સ્વાસ્થ્ય અને ઈફ્રાસ્ટ્રકચર સેકટર પર વધુ ભાર મુકવામાં આવે તેવી શકયતા છે. આવતુ બજેટ એવા સમયે રજુ થશે જ્યારે કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત હશે અને સરકાર પાસેની તિજોરી પણ ખાલી હશે. એવુ સમજાય છે કે બજેટમાં રસીના ખર્ચ સહિત સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં ફાળવણી ૫૦ ટકા જેટલી વધારવામાં આવશે. સરકાર ઈન્ફ્રા. માટે પણ વધુ રકમ ફાળવી શકે છે. સરકારે ૨૦૨૪ સુધીમાં ઈન્ફ્રા. ક્ષેત્રે ૧૧૧ લાખ કરોડ રૂપિયાના રોકાણનુ લક્ષ્યાંક રાખ્યુ છે જેના કારણે બજેટમાં આ સેકટરમાં ફાળવણી વધી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની રસી માટે બજેટમાં યોગ્ય ફાળવણી થશે. બજેટમાં સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ફાળવણી થશે. ફકત રસી સુધી સીમિત નહી રહે તેને લોકો સુધી પહોંચાડવા અને તેની જાળવણી તથા વિતરણ માટે પણ મોટી રકમની જરૂર પડશે.

ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં સ્વાસ્થ્ય મંત્રાલયને ફાળવાયેલ ૬૭૧૧૧ કરોડમાથી ૫૮ કરોડ જેટલો ખર્ચ થયો છે એ અત્રે નોંધનીય છે.

(10:34 am IST)