Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સરદાર સરોવર ડેમમાંથી વીજ ઉત્પાદનને લઈને વિવાદ વકર્યો : મધ્યપ્રદેશે 904 કરોડનો ક્લેમ કર્યો : ગુજરાતે સામા 5 કરોડ માંગ્યા

મધ્ય પ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને 10 મિલિયન યુનિટનું નુક્સાન: ગુજરાત સરકારનો દાવો

નવી દિલ્હી : મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ ઉત્પાદનને લઈને વિવાદની સ્થિતિ સર્જાયી છે. મધ્ય પ્રદેશનો દાવો છે કે, સરદાર સરોવર ડેમ માટેના કરાર અનુસાર, વીજળી ઉત્પન્ન નથી થઈ. જેના પગલે MPને અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ માટે ગુજરાત સરકાર  પાસેથી 904 કરોડ રૂપિયાનો ક્લેમ માંગવામાં આવ્યો હતો. જો કે ગુજરાત સરકાર દ્વારા તેને ફગાવી દેવાયો છે.

મધ્ય પ્રદેશના દાવાને ફગાવતા ગુજરાત સરકારે કહ્યું કે, મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાં પાણી રોકવાના કારણે વીજળીઉત્પન્ન નથી થઈ. આ તથ્યના આધારે ગુજરાત સરકારે વળતો મધ્ય પ્રદેશની સરકાર પર જ ક્લેમ ઠોક્યો છે. જે બાદ વિવાદ અટકવાની જગ્યાએ વકરતો હોય તેમ જણાઈ રહ્યું છે

ગુજરાત સરકારનો દાવો છે કે, મધ્ય પ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને 10 મિલિયન યુનિટનું નુક્સાન થયું છે. આ માટે ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયાનો ક્લેમ માંગ્યો છે. આખરે હવે સમગ્ર મામલે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિ સુધી પહોંચ્યો છે. આ મામલે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માટે ટૂંક સમયમાં જ બન્ને રાજ્યોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.

(1:27 pm IST)