Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મુંબઇમાં NCBની ટીમ પર 60 લોકોના ટોળાનો હુમલો : IRS સમીર વાનખેડે સહીત બે અધિકારીઓ ઘાયલ

મુંબઇ પોલીસે પુરી સ્થિતિને સંભાળી: ડ્રગ પેડલર કૈરી મેનડિસની ધરપકડ કરી તેના ત્રણ સાથીઓને પણ દબોચી લીધા

મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં એક ડ્રગ પેડલરની નિશાની પર જ્યારે એનસીબીની ટીમ રેડ કરવા ગઇ તો આશરે 50-60 લોકોની ભીડે તેમની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ઇજા થઇ છે.

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ પર હુમલો થયો છે. મુંબઇના ગોરેગાવમાં એનસીબીના ઝોનર ડિરેક્ટર IRS સમીર વાનખેડે અને તેમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સ અને બદમાશોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન બે અધિકારીને ઇજા થઇ છે.

 એનસીબીનું કહેવુ છે કે સમીર વાનખેડેની આગેવાનીમાં એનસીબીની ટીમ રેડ કરવા ગઇ હતી. આ દરમિયાન ડ્રગ પેડલર સાથે આશરે 60 લોકો ભેગા થઇ ગયા હતા અને એનસીબીની ટીમ પર હુમલો કર્યો હતો. મુંબઇ પોલીસે પુરી સ્થિતિને સંભાળી હતી અને ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી

ડ્રગ પેડલરનું નામ કૈરી મેનડિસ છે. મુંબઇ પોલીસે આઇપીસીની કલમ 353 હેઠળ કેરી મૈનડિસ અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી છે. કૈરી પર વેસ્ટર્ન મુંબઇમાં એલએસડી સપ્લાય કરવાનો આરોપ છે. એનસીબીને તેની પાસેથી બે એલએસડી મળ્યા છે. કૈરી સિવાય વધુ બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે એનસીબીએ કોમેડિયન ભારતી સિંહની શનિવારે ગાંજો લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. મોડી રાત્રે તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા બોલિવૂડ અભિનેતા અર્જૂન રામપાલ, તેની લિવ ઇન પાર્ટનરની પણ એનસીબીએ પૂછપરછ કરી હતી. ડ્રગ્સ કેસમાં એનસીબીનો શકંજો બોલિવૂડ અને ટીવી જગત પર કસાતો જઇ રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત મોતની તપાસ દરમિયાન સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં સૌથી પહેલા રિયા ચક્રવર્તી ફસાઇ હતી. રિયા ચક્રવર્તી બાદ કેટલીક બોલિવૂડ અને ટીવી અભિનેત્રીનું નામ આવતુ ગયુ હતું.

(2:23 pm IST)