Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રૂપાણીના નિવાસે કોર કમિટીની સાંજે બેઠક

સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર દોડતી થઇ : સાંજે મળશે બેઠક

નવી દિલ્હી,તા.૨૩ : ગુજરાત સહિત દેશના ચાર રાજયમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી છે અને ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે આજરોજ દેશની વડી અદાલત દ્વારા આ રાજયોની ઝાટકણી કાઢવામાં આવી હતી અને શુક્રવાર સુધીમાં કોરોનાની સ્થિતિને લઇને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે રૂપાણી સરકાર દોડતી થતી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકાર દોડતી થઇ છે અને વડી અદાલતના આદેશને ગંભીરતાથી લઇને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને તાત્કાલિક અસરથી આજે સાંજે કોર કમિટીની એક બેઠક બોલાવવામાં આવી છે.

 ગાંધીનગર ખાતે યોજાનારી આ બેઠકમાં ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અને તેની સામે લેવામાં આવી રહેલા પગલા મુદ્દેની સમીક્ષા હાથ ધરવામાં આવશે. નોઁધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શુક્રવાર સુધીમાં રાજયમાં કોરોનાની સ્થિતિ અંગેનો એક રિપોર્ટ રજૂ કરવાનો છે. 

 મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજય સરકારે અમદાવાદમાં ૨ દિવસનું કર્ફ્યુ લગાવ્યા બાદ ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ  પણ લાગુ કરી દીધો છે. રાજયમાં કોરોનાના આંકડાની વાત કરીએ તો છેલ્લાં ૫ દિવસમાં ૧૪૦૦થી  વધુ રોજના કેસ આવી રહ્યાં છે.

(4:21 pm IST)