Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુરૂગ્રામઃ કોરોના કટોકટીનો વેપલો? ૧૪૦૦ રૂપિયા આપો અને કોરોના પર ગમે તેવો રિપોર્ટ મેળવો

જેવી જરૂરિયાત તે પ્રમાણે કોરોના રિપોર્ટ બનાવવામાં આવતો હતો

નવી દિલ્હી, તા.૨૦: કોરોનાનો વાયરસ મહામારી બનીને આખા દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવી કટોકટીને પણ કેટલાક લોકોએ વેપલો બનાવી દીધો છે. ગુરુગ્રામમાં સીએમ  ફ્લાઈંગ સ્કવોડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમે દરોડા પાડીને એક એવી ફેક લેબનો ભાંડાફોડ કર્યો છે જયાં કોરોનાના રિપોર્ટને નેગેટિવથી પોઝિટિવ અને પોઝિટિવથી નેગેટિવ બનાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ માટે માત્ર ૧૪૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. લોકોના જીવ સાથે આવા ચેડા?

ઓફિસમાંથી રજા લેવાની હોય, વિદેશ જવાનું હોય કે પછી હવાઈ મુસાફરી કરવાની હોય...જેવું પણ હોય તમને તે પ્રમાણે રિપોર્ટ મળી જશે. શહેર-શહેર સંક્રમણના ગ્રહણ વચ્ચે આવા સમાચાર ખરેખર ચિંતાજનક છે. આમ જુઓ તો આ લેબ અન્ય કોરોના ટેસ્ટ લેબ જેવી જ છે પરંતુ અહીં જે થઈ રહ્યું હતું તે આખા દેશ સાથે ભયંકર દગો હતો.

ગુરુગ્રામના સૈની ખેડામાં સ્વાસ્થ્ય વિભાગના નાક નીચે આ લેબમાં કાળા કારનામાને અંજામ અપાઈ રહ્યો હતો. માત્ર ૧૪૦૦ રૂપિયામાં આ લેબથી વિદેશ જવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરાવી શકાતો હતો. માત્ર ૧૪૦૦ રૂપિયામાં હવાઈ મુસાફરી માટે નેગેટિવ રિપોર્ટ તૈયાર થઈ શકતો હતો અને માત્ર ૧૪૦૦ રૂપિયામાં ઓફિસમાંથી રજા લેવા માટે ખોટો રિપોર્ટ બનાવવામાં આવતો હતો.

જેવી જરૂરિયાત તે પ્રમાણે કોરોના રિપોર્ટ બનાવવામાં આવતો હતો. આ લેબમાં કોરોનાનો નકલી રિપોર્ટ બનાવીને ખબર નહીં કેટલીય જિંદગીઓ સાથે રમત રમાઈ ચૂકી હશે અને આ સત્ય જો હજુ બહાર ન આવત તો આગળ શું થાત એ કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે. હરિયાણા સીએમની ફ્લાઈંગ સ્કવોડે આ દરોડો પાડીને પર્દાફાશ ન કર્યો હોત તો પરિસ્થિતિ શું થાય તે વિચારતા પણ ડર લાગે છે.

ગુરુગ્રામમાં ડ્રગ્સ વિભાગના અધિકારી અમનદીપ ચૌહાણે કહ્યું કે, 'આ લેબને ચલાવનારા બે લોકોની ધરપકડ કરાઈ છે. મોટી વાત એ છે કે બંનેને કોરોનાના સેમ્પલ સુદ્ઘા લેતા આવડતા નથી. પરંતુ આ ઝોલાછાપ લેબ સંચાલકોએ આમ છતાં અનેક કોરોના પોઝિટિવ લોકોને વિદેશ પ્રવાસ કરાવી દીધા.

અધિકારીએ વધુમાં કહ્યું કે આ આખો ફર્જીવાડો દિલ્હીની એક લેબના નામે ચાલતો હતો અને હવે તપાસની કડીઓ જોડવામાં આવી રહી છે. આ આખા ખેલનો પર્દાફાશ થવાની તૈયારી છે. બંને ઝોલાછાપ લેબ સંચાલકો પાસેથી હવે તપાસ ટીમ એ જાણવામાં લાગી છે કે આ લોકોએ ફેક રિપોર્ટ તૈયાર કરીને કેટલા લોકોને વિદેશ મોકલ્યા અને કેટલા લોકોએ ઓફિસમાંથી રજા માટે ખોટા રિપોર્ટ આપ્યા.

(4:21 pm IST)