Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

તામિલનાડુ અથવા પોંડિચેરીમાં ગતિ વાવાઝોડાની સંભાવના

કોરોના મહામારીમાં દેશ પર વધુ એક સંકટ : ગુજરાત પર અસરની નહિવત શક્યતા : તોફાની વાવાઝોડું દેશના દરિયા કિનારે ટકરાશે :ભારે વરસાદ થવાની વકી

ચેન્નાઈ, અમદાવાદ, તા. ૨૩ : કોરોનાના મહાસંકટ વચ્ચે વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બની રહેલા હવાના ઓછા દબાણના કારણે આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ગતિ નામનું વાવાઝોડું તામિલનાડુ કે પોંડિચેરી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર થવાની સંભાવના નહિવત.

બંગાળની ખાડીમાં બનેલું હવાનું દબાણ આગામી સમયમાં વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ૨૫ નવેમ્બરની બપોર સુધીમાં તે કરઈક્કલ અને મામલ્લપુરમ થઈને પસાર થઈ શકે છે. વાવાઝોડાની સંભાવના અંગે હવામાન વિભાગના એસ બાબચંદ્રએ સોમવારે સવારે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમની ખાડી ઉપર બનેલું હવાનું દબાણ પોંડિચેરીથી ૬૦૦ કિલોમીટર અને ચેન્નાઈથી ૬૩૦ કિલોમીટર દૂર છે. જે આગામી ૨૪ કલાકમાં તોફાની વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરી શકે છે.

વાવાઝોડાના કારણે તામિલનાડુ, પોંડિચેરી અને કરઈક્કલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. પહેલા રવિવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉઠેલું વાવાઝોડું 'ગતિ' ઘણું ગંભીર કેટેગરીનું છે. તે પશ્ચિમ તરફ વધી રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો વાવાઝોડાની કોઈ અસર વિશેની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી. ગુજરાતમાં આગામી દિવસ દરમિયાન હવામાન સાફ રહેવાનું છે. આજે અને આવતીકાલે ગુજરાતના વિવિધ ભાગોમાં ઠંડીના પ્રમાણ વધવાનું છે. કચ્છમાં કોલ્ડવેવ કન્ડિશનનો અનુભવ થઈ શકે છે.

ભારતમાં દક્ષિણ પશ્ચિમ તરફ આવી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવધાની રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં તામિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાઠે ભારે ગતિ સાથે પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને ૨૫ નવેમ્બર સુધી ના ખેડવા જણાવ્યું છે.

(7:28 pm IST)