Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મુંબઈમાં ફરી ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી: દિલ્હીથી આવેલ 5 કરોડનું MD અને કોકેઈન ઝડપાયું: નાઈજીરીયનની ધરપકડ

પર્સના અસ્તરમાં છુપાવીને રાખવામાં આવ્યુ હતું ડ્રગ્સ :મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં વેચાણ કરવાની યોજના હતી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક નાઈજીરિયન વ્યક્તિની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કરોડની કિંમતનું MD અને કોકેઈન ડ્રગ્સ મળ્યું છે,  આ નાઈજીરીયન વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય સંસ્થાઓ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તેના વપરાશ, લેવડ-દેવડ અને વેચાણ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 4ને બાતમી મળી હતી કે એક નાઈજિરિયન નાગરિક મુંબઈમાં ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ અને તત્પરતા બતાવીને સંબંધિત નાઈજીરિયન વ્યક્તિની ધરપકડ કરવામાં સફળ રહી.

 

ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્દ્રજીત મોરેની આગેવાની હેઠળની પોલીસ ટીમે આ કારનામું પાર પાડ્યું હતું. પોલીસને આ નાઈજિરિયન યુવક નવી મુંબઈમાં આણિક બસ ડેપો પાસે શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો હતો. પોલીસે તેના પર્સની તલાશી લીધી હતી. MD ડ્રગ્સ અને કોકેન પર્સના અસ્તરમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

પ્રાપ્ત ટીપ અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત મોરે અને બિરાજદારની આગેવાની હેઠળની ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવી મુંબઈમાં ખારઘર નજીક એન્થોની નામના વ્યક્તિની અટકાયત કરી હતી. શોધખોળ દરમિયાન તેની પાસેથી કંઈ બહાર આવ્યું ન હતું. આ પછી પોલીસ ટીમની નજર તેના હાથમાં રાખેલા પર્સ પર ગઈ. પર્સની અંદર અસ્તર સીવેલું હતું. તેની પાસેથી એમડી અને 118 ગ્રામ કોકેઈન અને દસ હજાર રૂપિયા મળી આવ્યા હતા. ડીસીપી (ક્રાઈમ) પ્રકાશ જાધવે આ માહિતી આપી છે.

 

એન્થોની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 26 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપીની પૂછપરછ બાદ પોલીસે જણાવ્યું કે તેણે આ ડ્રગ્સ દિલ્હીથી ખરીદ્યું હતું. તે મુંબઈમાં તેને વેચવા આવ્યો હતો. મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં વેચાણ કરવાની યોજના હતી. વધુ વિગતો મેળવવા પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. તેની કોલ ડિટેઈલ પણ ચેક કરવામાં આવી રહી છે.

(12:00 am IST)