Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભારતીય સંસ્કૃતિના ઉત્સવો ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમ જગાવે છે : પ્રભુ સ્વામી

લંડન સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા હેરો કેન્ટનમાં ઉજવાયો શાકોત્સવ

લંડન સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ત્યાંના હેરો કેન્ટન વિસ્તારની પ્રિન્ટ મેડ સ્કુલમાં ઉજવાયેલ શાકોત્સવ પ્રસંગે પ્રભુ સ્વામી, ભકિતતનયદાસજી સ્વામી, યોગદર્શનદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહેલ હતા.

રાજકોટ તા. ૨૩ : લંડનના હેરો કેન્ટન વિસ્તારમાં આવેલ પ્રિસ્ટ મેડ સ્કૂલમા શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ લંડન દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ. જમવું અને જમાડવું એ ભારતીય સંસ્કૃતિ છે તેને ભારતીઓ આજે વિદેશમાં પણ પ્રસરાવી રહ્યા છે. ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી વગેરે ભારતીય ભોજનો અહીં મોટા પ્રમાણમાં મળે છે.

આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં યુવાનોએ સત્સંગ સભાનું આયોજન કરેલ. જેના પ્રારંભે સ્વામીશ્રી ભકિતતનયદાસજી સ્વામીએ  પ્રાસંગિક ઉદ્દબોધન સાથે ભગવત ચરિત્રોનું શ્રવણ કરાવેલ. જયારે યોગાચાર્ય શાસ્ત્રી શ્રી યોગદર્શનદાસ સ્વામીએ  ગુજરાતમાં બોટાદ જિલ્લામાં આવેલ લોયા ગામે પ્રથમ શાકોત્સવ ઉજવેલ તે પ્રસંગની વાત કરતાં કહેલું કે   સ્વાદ અને સુગંધની સોડમ સંગાથે ભગવત પ્રસાદનો આસ્વાદ કંઈક અનેરો હોય છે. એ આસ્વાદ ૨૦૧ વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે રીંગણાનું શાક બનાવીને સંતો ભકતોને ચખાડેલો.

 પ્રેમાનંદ સ્વામીએ બનાવેલા  શાકોત્સવ પ્રસંગોના કિર્તનોનું શ્રી યોગદર્શન સ્વામીજીએ વાંસળીના સુમધુર સૂર સાથે ગાન કરી સૌને શાકોત્સવની લીલામાં રસ તરબોળ કરેલ.

શ્રી પ્રભુ સ્વામીએ ૮ ડિગ્રી ઠંડીમાં પણ ઉપસ્થિત રહેલા ભાવિકોને સંબોધન કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે.

શાકોત્સવના યજમાનો ડો. અલ્પેશભાઈ પટેલ, રાજેશભાઈ શેલડીયા, નરેશભાઈ સાવલીયા, ઘનશ્યામભાઈ વાડોદરીયાને તેમજ નીલકંઠધામ પોઈચામાં ગૌધામમાં ગાયોની સેવા અર્પેલ તે દાતાઓને શ્રી ભકિતતનયદાસજી સ્વામીએ પ્રભુ સ્વામી પાસે આશીર્વાદ અપાવેલ.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનની સુરત શાખાથી પધારેલ શ્રી ભજન સ્વામીએ બનાવેલ રીંગણાનું શાક તેમજ મહિલા ભકતોએ બનાવેલા બાજરાના રોટલા અને ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બનાવેલા થેપલા સાથે ઓર્ગેનિક દેશી ગોળ અને ખીચડી કઢી તેમજ રાયતા મરચા વગેરેનો થાળ ભગવાનને ધરાવવામાં આવેલ . માનસીપૂજા કરી સહુ ભકતોએ સમૂહમાં શાકોત્સવનો આસ્વાદ માણી ધન્યતા અનુભવેલ હતો.

(11:36 am IST)