Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોનાથી પણ વધુ ઘાતક બની રહ્યું છે દિલ્હીનું વાયુ પ્રદુષણઃ ન્યુમોનિયા બની રહ્યો છે જીવલેણ

નિષ્ણાતોએ આપી ચેતવણી : ન્યુમોનિયા પહેલાં કોરોના વાયરસને લીધે ફેલાતો હતો, હવે તે વાયુ -દૂષણને કારણે પણ ફેલાઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૨૩: રાજધાની દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાય શહેરો આ સમયે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા છે. આ શહેરોમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આનાથી લોકોને ઘરની બહાર તો સમસ્યા થાય છે, પણ ઘરની અંદર પણ પ્રદૂષણનું સ્તર વધવાથી પરિસ્થિતિ વધુ ઘાતક બની ગઈ છે. ઘરની બહાર અને અંદર વાયુ પ્રદૂષણનું સ્તર વધવાથી મોટાભાગના લોકો હવે શ્વાસ સંબંધી બીમારીઓથી પીડાય છે. આ ઉપરાંત ન્યુમોનિયા અને અસ્થમા જેવી ખતરનાક બીમારીઓ પણ લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે.

ન્યુમોનિયા પહેલાં કોરોના વાયરસને લીધે પણ ફેલાતો હતો, હવે તે વાયુ પ્રદૂષણને કારણે પણ ફેલાઈ રહ્યો છે. એવામાં કેટલાંક નિષ્ણાતોએ કહ્યું છે કે દિલ્હીનું પ્રદૂષણ કોરોના વાયરસ સંક્રમણથી પણ વધુ ખતરનાક બની શકે છે. તેઓ એનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. વધી રહેલા વાયુ પ્રદૂષણ અને પ્રદૂષક તત્વોને કારણે ફેફસાં વધુ ખરાબ થઈ રહ્યા છે. સમય પર ઈલાજ ન થાય તો તેનાથી મૃત્યુ થવાની આશંકા પણ વધે છે. આવો તમને જણાવીએ કે શા માટે વાયુ પ્રદૂષણથી લોકોને સાવધ રહેવાની જરૂર છે.

ન્યુમોનિયા એક પ્રકારનું સંક્રમણ જ છે, જેમાં એક કે બે ફેફસાંમાં હાજર વાયુ કોથળીમાં સોજો આવી જાય છે અને તેમાં તરલ પદાર્થ ભરાઈ જાય છે. જ્યારે એલ્વિયોલીમાં સોજો વધી જાય છે, તો તે શ્વાસ સંબંધી મુશ્કેલીઓને વધારી દે છે. જોકે, સામાન્ય ન્યુમોનિયા એ લોકો માટે જીવલેણ બની શકે છે, જેમને પહેલા શ્વાસ સંબંધી સમસ્યા હોય અથવા જેમની ઉંમર ૬૫ વર્ષથી વધારે હોય.

ન્યુમોનિયા જેવું સંક્રમણ સામાન્ય રીતે વાયરસ, બેકટેરિયા અથવા ફૂગને કારણે થાય છે, આ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ વ્યકિત વાયરસ અથવા અન્ય પેથોજેન્સથી દૂષિત સપાટીના સંપર્કમાં આવે છે, જેમકે જે હવામાં ફેલાય છે તે વધુ ચેપી બની જાય છે.

ન્યુમોનિયા નિશંકપણે એક ખતરનાક સંક્રમણ છે જે વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ એક મોટી સમસ્યા બની શકે છે. ઘરની અંદર હોય કે બહાર, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પ્રદૂષણના સમયમાં ન્યુમોનિયા અને અન્ય ગંભીર શ્વાસ સંબંધિત તકલીફોનું જોખમ બમણું થઈ જાય છે અને મૃત્યુ દરનું જોખમ પણ વધી જાય છે.

પ્રદૂષણ ફકત શ્વાસ અને ફ્લૂ જેવા સંક્રમણમાં વધારો નથી કરતું, પણ શરીરની રોગપ્રતિકારક શકિત પણ કમજોર બનાવે છે. જ્યારે કોઈ વ્યકિત હવામાં વિવિધ પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, ત્યારે તેનો શ્વસન માર્ગ સંકોચાવા લાગે છે, ફેફસાં પણ સંકોચાવા લાગે છે.

ન્યુમોનિયા ઘણી વખત જોખમી બની જાય છે અને તેમાં મૃત્યુ થવાની શક્યતા પણ વધુ રહે છે. પ્રદૂષણ એ લોકો માટે ચિંતાજનક બની શકે છે, જેમણે પહેલાં શ્વાસ સંબંધી કોઈ બીમારી હોય અથવા જેમની રોગપ્રતિકારક શકિત નબળી પડી ગઈ હોય.

(12:28 pm IST)