Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગ્વાલિયરમાં અજીબો ગરીબ ઘટના

લક્ષ્યાંક પૂરો કરવા આત્માઓનું પણ વેકિસનેશન?

૧૦ મેના વૃદ્ઘનું મૃત્યુ થયું અને ૧૭ નવેમ્બરના વેકિસનના બીજા ડોઝનો મેસેજ આવ્યો

ગ્વાલિયર, તા.૨૩: દેશમાં કેન્દ્ર સરકારે રસીકરણને વ્યાપક બનાવવા હર ઘર દસ્તક જેવી યોજના શરૂ કરી છે. અધિકારીઓ પણ રસીકરણને આગળ ધપાવવા માટે કોઈપણ હદ વટાવી રહ્યા છે. ગ્વાલિયરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જે હાસ્યાસ્પદ હોવાની સાથે ગંભીર છબરડો હોવાનું દર્શાવે છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં વેકિસન મુકાવનાર લોકોની યાદીમાં એવા શખ્સનું નામ હતું જેનું થોડા મહિના અગાઉ મોત થયું હતું. આરોગ્ય વિભાગની આ હરકતથી સરકારના રસીકરણના આંકડા સામે પણ સવાલો ઉભા થયા છે.

આ કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરનો છે. અહીંના ભીતરવાર વોર્ડ-૩ના રહેવાસી વિનોદ પાઠક આરોગ્ય વિભાગના કર્મચારી છે. તેના ૮૧ વર્ષના પિતા શિવચરણ પાઠકનું ૧૦મી મેના રોજ ગેંગરીનને લીધે મોત થયું હતું. શિવચરણે મોત અગાઉ ૯ એપ્રિલ ૨૦૨૧ના વેકિસનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. રજીસ્ટ્રેશન માટે પુત્ર વિનોદનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો.

શિવચરણ પાઠકના મોત પછી તેનું ડેથ સર્ટિફિકેટ પણ બની ગયું હતું. તેમ છતાં ૧૭ નવેમ્બર ૨૦૨૧ના વિનોદના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવ્યો કે તમારો વેકિસનનો બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. આ જોઈને પુત્ર વિનોદ ચોંકી ઉઠ્યો હતો અને તેણે વધુ માહિતી મેળવવા ભિતરવાર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જો કે તેને ત્યાંથી કોઈ વધુ માહિતી મળી નહતી. સીએચઓ ડો. મનીષ શર્માએ જણાવ્યું કે તેઓ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરશે.

(3:21 pm IST)