Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બેંકોના વિલફુલ ડિફોલ્ટરો પાસેથી એક એક પૈસો વસૂલાશે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણમંત્રીએ કહ્યું- સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર

નવી દિલ્હી :નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોના વિલફુલ ડિફોલ્ટરો  પાસેથી એક એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર. તેમણે કહ્યું કે બેંકોમાંથી લીધેલા તમામ પૈસા પાછા લાવવામાં આવશે.

સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે મળીને કામ કરી રહી છે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે માત્ર વડાપ્રધાન વિકાસ પેકેજ જ નહીં, પરંતુ દરેક કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો લાભ કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થીઓને મળે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સેક્ટરમાં વૃદ્ધિની ગતિ દેશના અન્ય ભાગોની બરાબર હોય

નવી યોજનાઓની શરૂઆત બાદ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ આ વાત કહી. આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને નાણાકીય સમાવેશ અને લોન મેળવવાની સરળતાના કાર્યક્રમ હેઠળના લાભો સંબંધિત આદેશ પત્રો સોંપ્યા હતા.

સીતારમણે કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરમાં પારદર્શી રીતે વિવિધ કાર્યોને ઝડપી બનાવવા માટે તેના તમામ સંસાધનોનું ઉદારતાથી રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું કે જો બેંકોમાં કોઈ ગડબડ થઈ છે અને લોન લેવામાં આવી છે અને અત્યાર સુધી ચૂકવવામાં આવી નથી તો તેમને વિશ્વાસ છે કે અમારી સિસ્ટમ ડિફોલ્ટરોની સાથે સાથે રકમ પણ પાછી લાવશે

નાણામંત્રીએ કહ્યું કે આ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને જેઓ જાણી જોઈને લોનમાં ડિફોલ્ટ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે બેંકોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ચિંતાનો વિષય હતો. NPA ઘટાડવા માટે 4Rs વ્યૂહરચના બનાવવામાં આવી હતી. આ હેઠળ આવી બેડ લોનને ઓળખવા, તેને ઉકેલવા, બેંકોમાં મૂડી ઠાલવવા અને સુધારાને આગળ ધપાવવાની પહેલ કરવામાં આવી હતી. તેના કારણે હકારાત્મક પરિણામો પણ આવ્યા હતા. .

(10:12 pm IST)