Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોન્ટ્રાક્ટ બેઝ્ડ શિક્ષકોને કરીશું કાયમી : અરવિંદ કેજરીવાલનો પંજાબને વાયદો

દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી ,ઘરેલુ વીજળીના તમામ બાકી બીલ માફ અને લોકોના જોડાણો પુનઃસ્થાપિત કરવામાં આવશે

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં શિક્ષકોને લઈને મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, જો અમે પંજાબમાં સરકાર બનાવીશું, તો અમે કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ શિક્ષકોને કાયમી કરીશું

કેજરીવાલે ફરી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર કટાક્ષ કર્યો. પંજાબના મુખ્યપ્રધાનનું નામ લેતા તેમણે કહ્યું કે, “અમારી ચન્ની સાહેબને અપીલ છે કે તમે શિક્ષકોની માંગણી પૂરી કરો. બાય ધ વે, આજ સુધી કોઈ પણ સરકાર કામ કરતા કોન્ટ્રાક્ટ બેઝ્ડ શિક્ષકોની માંગણી પૂરી કરી શકી નથી.  હવે અમારી સરકાર બની તો અમે સૌ પ્રથમ કરાર પર કામ કરતા તમામ શિક્ષકોને કાયમી કરીશું.

શિક્ષકોને વચનો આપવા ઉપરાંત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ઓટો રિક્ષા યુનિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઓટો રિક્ષા યુનિયન સાથેની વાતચીત દરમિયાન લુધિયાણામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, જ્યારે અમારી સરકાર પહેલીવાર બની ત્યારે 70% યોગદાન ઓટો અને ટેક્સી ડ્રાઈવરોનું હતું. ત્યાં અમને ઘણો સપોર્ટ મળ્યો. હવે તમે બધા અહીં ભેગા થયા છો, તમે કોઈપણ પક્ષને જીતાડી શકો છો અને કોઈ ને પણ હરાવી શકો છો. પોતાની દિલ્હી સરકારનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, અમે દિલ્હીમાં શાનદાર કામ કર્યું છે.
AAP કન્વીનરે કહ્યું, “જ્યારે અમે 2013માં દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા, ત્યારે લોકોને અવ્યવસ્થિત વીજળીના બિલ આવતા હતા. સરકાર પંજાબની જેમ પાવર કંપનીઓ સાથે મિલીભગત કરી રહી હતી. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ છે. હવે અમારે પંજાબમાં પણ આવું જ કરવાનું છે.”

કેજરીવાલે કહ્યું કે અમે દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી આપીશું.ઘરેલું વીજળીના તમામ બાકી બીલ માફ કરવામાં આવશે અને લોકોના જોડાણો પુનઃસ્થાપિત કરવામાં આવશે. ત્રીજું, 24 કલાક વીજળી આપવામાં આવશે.”

(10:28 pm IST)