Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે પીએમ મોદીને મારી નાખવા આપી સોપારી:મુંબઇ પોલીસને મળ્યો મેસેજ

પીએમ મોદીને મારવા માટે દાઉદ ઇબ્રાહિમે ડી કંપનીના બે ગુંડાઓને જવાબદારી સોપી: ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ એલર્ટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત વડાપ્રધાન  મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઇ પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટને સોશિયલ મીડિયા પર મોકલવામાં આવી છે. મુંબઇ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો હતો. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીને મારવા માટે દાઉદ ઇબ્રાહિમે ડી કંપનીના બે ગુંડાઓને જવાબદારી સોપી છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ એલર્ટ થઇ ગઇ છે.

ધમકી ભરેલો આ ઓડિયો મેસેજ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. ધમકીનો આ ઓડિયો મેસેજ મોકલનારાએ દાઉદ ઇબ્રાહિમના તે બે ગુંડાઓનું નામ પણ જણાવ્યુ છે, જેમણે પીએમ મોદીને જીવથી મારવાની જવાબદારી સોપી છે, તેમનું નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. જોકે, આ ઓડિયો મેસેજ મોકલનારાએ પોતાનું નામ જણાવ્યુ નથી. આ ઓડિયો ક્લિપ હિન્દીમાં છે. આ મામલે વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

 પીએમ મોદીને જીવથી મારવાની ધમકી ધરાવતી ઓડિયો ક્લિપના અત્યાર સુધી કુલ 7 મેસેજ આવી ગયા છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ મેસેજ મોકલનારાને શોધવાનો પ્રયાસ કરી રહી ચે. એક ડાયમંડ બિઝનેસમેનની પૂછપરછ કરવામાં આવી છે, જેનું કારણ વૉટ્સએપ મેસેજમાં એક તસવીર પણ મોકલવામાં આવી છે. આ તસવીર સુપ્રભાત વેજ નામના વ્યક્તિની હતી. આ વ્યક્તિ સબંધિત ડાયમંડ બિઝનેસમેન પાસે કામ કરતો હતો, તેની શંકાસ્પદ ગતિવિધિને કારણે તેને કામમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે દાઉદ ઇબ્રાહિમ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકી છે. કેન્દ્રમાં મોદીના રહેતા દાઉદ ઇબ્રાહિમનો અંડરવર્લ્ડનો ધંધો ચાલી શકતો નથી.

આ પહેલા ઓગસ્ટમાં મુંબઇ પોલીસને ઇમેલ મોકલીને પીએમ મોદી સહિત ભાજપના 20 લોકોને જીવથી મારવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમારા સ્લીપર સેલ્સ દરેક તરફ છે અને ક્યારેય પણ તમારા પીએમને મારી શકે છે.

બીજી તરફ 2018માં પણ પીએમ મોદીના નામનો પત્ર લખીને આ ધમકી આપવામાં આવી હતી કે જે રીતે રાજીવ ગાંધીને મારવામાં આવ્યા તે રીતે નરેન્દ્ર મોદીને પણ મારી નાખીશુ.

(12:01 am IST)