Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સરકાર આદેશ તો પીઓકે પાકિસ્તાન પાસેથી છીનવી લઈએ: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન

ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેનો જડબાતોડ જવાબ મળશે

 

નવી દિલ્હી :પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદનના થોડા દિવસો બાદ હવે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાજનાથના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પીઓકેના મુદ્દે લશ્કર સરકારના નિર્ણયનું પાલન કરશે અને જો સરકાર આદેશ તો અબ ઘડી પીઓકે પાકિસ્તાન પાસેથી છીનવી લઈએ. 

ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે અમે કોઇ પણ કાર્યવાહી કરવા તૈયાર છીએ, સરકારના નિર્દેશ મુજબ તે મુજબ કામ કરવામાં આવશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે. જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેનો જડબાતોડ જવાબ મળશે. સરહદ પર શાંતિ જાળવવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે તો તેના પરિણામો ભોગવવા માટે પણ તેણે તૈયાર રહેવું પડશે

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર "અત્યાચાર" કરી રહ્યું છે અને તેનું પરિણામ ભોગવવું પડશે. અમે કાશ્મીરમાં વિકાસનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન નહીં પહોંચીએ ત્યાં સુધી અમે અટકશું નહીં. થોડા સમય પહેલા ચિનાર પોલિસે પણ આ દિશામાં મોટુ નિવેદન આપ્યું હતું. સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, મૂળ પીઓકે ભારતનો જ હિસ્સો છે પરંતું 1947માં ભાગલા બાદ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના આ ભાગ પર આદિવાસી બળવાખોરોની મદદથી કબજો કરી લીધો હતો. ભારતીય સેના આ ભાગને પાછો લેવા માટે લડી રહી હતી, પરંતુ સાથે જ ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ગયા હતા. યુએનએ હસ્તક્ષેપ કર્યો અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી અને  જેઓ જ્યાં હતા, ત્યાં કબજો જમાવીને બેસી ગયા હતા. ત્યારથી બંને દેશોની સેના આંતરરાષ્ટ્રીય સરહદને બદલે નિયંત્રણ રેખા (એલઓસી)ની બંને બાજુ ઉભી છે. એલઓસી બંને દેશો વચ્ચે 840 કિલોમીટર લાંબી બોર્ડર લાઇન છે.

(12:00 am IST)