Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં ૪૦ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બનશેઃ મુકેશ અંબાણી

ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા છે

મુંબઇ,તા. ૨૩ : દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના ૧૦મા કોન્‍વોકેશનમાં જણાવ્‍યું હતું કે  ભારતની અર્થવ્‍યવસ્‍થા ૨૦૪૭ સુધીમાં ૧૩ ગણી વધીને $૪૦,૦૦૦ બિલિયન સુધી પહોંચી શકે છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા છે અને હાલમાં તે અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીથી પાછળ છે. ભારતની અર્થવ્‍યવસ્‍થા અંગે અંબાણીનું અનુમાન એશિયાના સૌથી ધનિક વ્‍યક્‍તિ ગૌતમ અદાણી કરતા પણ મોટું છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત ૨૦૫૦ સુધીમાં $૩૦ ટ્રિલિયનનું અર્થતંત્ર બની જશે.

અંબાણીએ ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના ૧૦મા કોન્‍વોકેશનમાં જણાવ્‍યું હતું કે, ભારત ૨૦૪૭ સુધીમાં ઼૩ ટ્રિલિયનની અર્થવ્‍યવસ્‍થાથી વધીને ઼૪૦ ટ્રિલિયનની અર્થવ્‍યવસ્‍થામાં બનશે.તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે ‘અમૃત કાલ' દરમિયાન દેશ આર્થિક વિકાસ અને તકોમાં અભૂતપૂર્વ પરિવર્તનનો સાક્ષી બનશે.

તેમણે વધુમાં જણાવ્‍યું કે સ્‍વચ્‍છ ઉર્જા, બાયો-એનર્જી અને ડિજિટલ ક્રાંતિ જેવી ત્રણ મહત્‍વપૂર્ણ (ગેમ ચેન્‍જિંગ) ક્રાંતિ આવનારા દાયકાઓમાં ભારતના આર્થિક વિકાસ તરફ દોરી જશે સ્‍વચ્‍છ ઉર્જા અને બાયો-એનર્જી ક્રાંતિ ટકાઉ ઉર્જાનું ઉત્‍પાદન કરશે જયારે ડિજિટલ ક્રાંતિ આપણને ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન અંબાણીએ જણાવ્‍યું હતું કે આ ત્રણેય ક્રાંતિ ભારત અને વિશ્વને પર્યાવરણીય સંકટથી બચાવવામાં મદદ કરશે. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સફળતા માટે ત્રણ મંત્રો જેવા કે ‘થિંક બિગ, થિંક ગ્રીન અને થિંક ડિજિટલ'પણ આપ્‍યા હતા. ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી પંડિત દીનદયાલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્‍યક્ષ છે.

 

(10:46 am IST)