Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સમઢીયાળા ગામમાં ચૂંટણી ‘સન્‍નાટો': કોઈને પ્રચાર કરવા દેવામાં આવતો નથીઃ મતદાન ન કરવા બદલ થાય છે દંડ

ગામના લોકોને લાગે છે કે ઉમેદવારોને પ્રચાર કરવા દેવાથી વિસ્‍તાર માટે નુકસાન થશેઃ તેથી જ ગામમાં કોઈપણ પક્ષને પ્રવેશવા અને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી નથી

નવી દિલ્‍હી, તા.૨૩: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જબરદસ્‍ત પ્રચાર અને ચૂંટણી ફિવર છે, ત્‍યારે રાજકોટ જિલ્લાના એક ગામમાં મૌન છે. રાજ સમઢીયાળા ગામ ચૂંટણી નાટક અને પ્રચારથી દૂર છે. ગ્રામજનોએ તેનું કારણ પણ જણાવ્‍યું છે.

ગામના લોકોએ કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ અને પ્રચાર પર પ્રતિબંધ મૂકયો છે. જોકે, ગામના લોકો ચોક્કસ મતદાન કરશે અને જે મતદાન નહીં કરે તેમને દંડ પણ કરવામાં આવશે. રાજ સમઢીયાળા ગામના લોકોને લાગે છે કે ઉમેદવારોને પ્રચાર કરવા દેવાથી વિસ્‍તાર માટે નુકસાન થશે. તેથી જ ગામમાં કોઈપણ પક્ષને પ્રવેશવા અને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ગામમાં પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

રાજ સમઢીયાળા ગામ રાજકોટથી ૨૦ કિમી દૂર છે. અહીંના ગ્રામજનોએ માત્ર રાજકીય પ્રચાર પર જ પ્રતિબંધ મુકયો નથી, પરંતુ મતદાનમાં વધુમાં વધુ ભાગીદારી સુનિશ્‍ચિત કરવા માટે મતદાન ન કરનાર પર ૫૧ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. ગ્રામ વિકાસ સમિતિ (VDC) એ ગામના લોકો માટે ઘણા નિયમો બનાવ્‍યા છે. ગામના લોકો તેની સાથે જોડાયેલા છે. નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવે છે. ફરજિયાત મતદાનનો પણ નિયમ છે. ગામમાં લગભગ ૧૦૦ ટકા મતદાન થઈ રહ્યું છે.

આ ગામના સરપંચ પણ સર્વસંમતિથી ચૂંટાય છે. વર્તમાન સરપંચ કહે છે કે દંડના નિર્ણયને કારણે અહીં લગભગ ૧૦૦ ટકા મતદાન થાય છે. ૧૭૦૦ની વસ્‍તી ધરાવતા આ નાનકડા ગામમાં એક કમિટી બનાવી છે. મતદાનના થોડા દિવસો પહેલા સમિતિના સભ્‍યો ગ્રામજનોની બેઠક બોલાવે છે અને જો કોઈ મતદાન ન કરી શકે તો સમિતિએ તેનું કારણ જણાવવાનું હોય છે.

સરપંચે જણાવ્‍યું કે ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર ન કરવા દેવાનો નિયમ ૧૯૮૩થી અમલમાં છે. અહીં કોઈપણ પક્ષને પ્રચાર કરવાની મંજૂરી નથી. રાજકીય પક્ષો પણ આ માન્‍યતાથી વાકેફ છે કે જો તેઓ રાજ સમઢીયાળા ગામમાં પ્રચાર કરશે તો તેમના મત ગુમાવશે.

રાજ સમઢીયાળા ગામમાં વાઇફાઇ દ્વારા ઇન્‍ટરનેટ કનેક્‍શન, સીસીટીવી કેમેરા, પીવાના પાણી માટે આરઓ પ્‍લાન્‍ટ જેવી લગભગ દરેક અત્‍યાધુનિક સુવિધા છે. આનાથી ગ્રામજનો માટે જીવન સરળ બને છે. ગામમાં ૯૯૫ જેટલા મતદારો છે. તેઓ તેમની ઈચ્‍છા મુજબ મતદાન કરે છે.

(3:52 pm IST)