Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દિલ્હી AIIMS નું સર્વર ઠપ્પ : હેક થવાની આશંકા: 9 કલાક સર્વર ડાઉન : દર્દીઓની વધતી મુશ્કેલી

સર્વર બંધ થવાને કારણે નવા દર્દીઓ માટે ઓપીડી પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ શકાયુ નથી.

નવી દિલ્હી :દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે AIIMS નું સર્વર અચાનક ઠપ્પ થઈ ગયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 9 કલાક સર્વર ડાઉન રહેવાના કારણે દર્દીઓની મુશ્કેલી વધી છે. સર્વર હેક થવાની પણ શક્યતા છે. AIIMS પ્રશાસન તેને ઉકેલવામાં સતત વ્યસ્ત છે. સેમ્પલ મોકલવાથી લઈને તેના કલેક્શન સુધી અને બીજી ઘણી સમસ્યાઓ વધી ગઈ છે. હાલમાં એઈમ્સ વહીવટીતંત્ર મેન્યુઅલ રીતે કામ ચલાવી રહ્યું છે, પરંતુ મેન્યુઅલ હોવાના કારણે દર્દીઓની મુશ્કેલી વધી છે. જેના કારણે ભીડ પણ જોવા મળી રહી છે

સર્વર ડાઉન થવાના કારણે હોસ્પિટલની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. દર્દીના કાગળો તૈયાર કરવાથી માંડીને અન્ય અનેક કામોને અસર થાય છે. ત્યારે નિષ્ણાતોની ટીમ સર્વરમાં સમસ્યા શોધવા અને તેને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્વર હેક થવાની આશંકા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારથી સર્વર બંધ થવાને કારણે નવા દર્દીઓ માટે ઓપીડી પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ શકાયુ નથી. દર્દીઓના કાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન મેન્યુઅલી બનાવવામાં આવ્યા હતા. જેના કારણે કાઉન્ટર પર લાંબી કતારો લાગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

(12:58 am IST)