Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ગોવા ભાજપમાં ફરી ભડકો : પૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મી પારેસકરની પાર્ટીમાંથી રાજીનામુ આપવા જાહેરાત

તેઓ જે બેઠક પરથી લડતા આવ્યા છે તે બેઠક પરથી બીજા કોઈને ટિકટ અપાઈ હોવાથી પારેસકર ઉકળી ઉઠયા

ગોવામાં ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટો માટે ચાલી રહેલો ગજગ્રાહ અટકી રહ્યો નથી. પહેલા ભાજપના દિવંગત અને કદાવર નેતા મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરીકરે રાજીનામુ આપ્યુ હતુ.હવે ગોવાના પૂર્વ સીએમ અને ભાજપના નેતા લક્ષ્મીકાંત પારેસકરે રાજીનામુ આપવાની  જાહેરાત કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, આજે સાંજે હું ઔપચારિક રીતે પાર્ટી છોડી દઈશ.પારેસકર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.તેમાં પણ આ વખતે તેઓ જે બેઠક પરથી લડતા આવ્યા છે તે બેઠક પરથી બીજા કોઈને ટિકટ અપાઈ હોવાથી પારેસકર ઉકળી ઉઠયા છે.

પારેસકર જે ઉમેદવાર સામે ગત ચૂંટણી હાર્યા હતા તે ઉમેદવાર હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી છે.

પારેસકરે કહ્યુ હતુ કે, હવે મારી ભાજપમાં રહેવાની ઈચ્છા નથી.આગળ શું કરીશ તે હજી મેં નક્કી કર્યુ નથી.સૂત્રોનુ કહેવુ છે કે, તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. હાલમાં તેઓ ભાજપના ચૂંટણી ઢંઢેરો તૈયાર કરનાર કમિટિના સભ્ય છે

(10:39 pm IST)