Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

બરેલી કેન્ટથી કોંગી ઉમેદવાર સુપ્રિયા એરન સપામાં સામેલ

કોંગ્રેસે પૂર્વ મેયરને બરેલી કેન્ટ સીટથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ સુપ્રિયા એરને કોંગ્રેસનો સાથ છોડી દીધો છે : યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો

લખનઉ, તા.૨૨ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બરેલી કેન્ટથી કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન  સપામાં સામેલ થઈ ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. સુપ્રિયા એરન પૂર્વ મેયર છે. સુપ્રિયા એરનના પતિ પ્રવીણ એરન પૂર્વ સાંસદ છે. તે પણ સપામાં સામેલ થયા છે.
આ તક પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, પાર્ટીમાં સુપ્રિયા એરનનું સ્વાગત છે. તે કોઈ બહારથી પાર્ટીમાં આવ્યા નથી પહેલા સપા સાથે હતા. યૂપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જનતા  સમાજવાદી પાર્ટી તરફ જોઈ રહી છે.
સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે અમે યુપીના લોકો માટે કેટલાક નિર્ણયો લીધા છે. સપાએ નવા વર્ષે નિર્ણય લીધો હતો કે જો યુપીમાં સરકાર આવશે તો ૩૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપશે. અમે અગાઉની સરકારમાં પણ લેપટોપનું વિતરણ કર્યું હતું, દરેક લેપટોપની પોતાની વાર્તા છે, જેને લેપટોપ મળ્યું તેને ઘણી મદદ મળી.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, આ જે ૨૨ તારીખ છે, અમા રો નારો છે ૨૨માં બાઇસિકલ. તેમણે કહ્યું કે, સરકાર બનવા પર અમે માત્ર આઈટી સેક્ટરમાં યૂપીના યુવાનોને ૨૨ લાખ નોકરીઓ અને રોજગાર આપીશું. આઈટી સેક્ટરમાં રોજગારની ખુબ સંભાવનાઓ છે. યૂપીમાં આઈટી હબ બનાવવામાં આવશે.
અખિલેશ યાદવે યૂપી વિધાનસભા ચૂંટણીના ઓપિનિયન પોલ પર કહ્યુ કે તમામ સર્વે ફેલ થશે.
ભાજપના ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં આવતા નથી. જો તે જીતી રહ્યાં છે તો લોકો કેમ તેનો વિરોધ કરી રહ્યાં છે? ભાજપની વિદાય નક્કી છે.

 

(12:00 am IST)