Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP ના 117 ઉમેદવારો જાહેર : યાદીમાં 32 જેટલા ઉમેદવારોનો અપરાધિક રેકોર્ડ

AAP સિવાય કોઈ પાર્ટીએ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર નથી કર્યા :ઓપિનિયન પોલ પર પ્રતિબંધ લાદવા સપાની માગણી

નવી દિલ્હી : પંજાબ ચૂંટણી 2022 માટે ચૂંટણી પંચે આપેલા દિશાનિર્દેશ પ્રમાણે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.તે પૈકીના સંખ્યાબંધ ઉમેદવારો સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી પંજાબની કુલ 117 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. યાદીમાં 32 જેટલા ઉમેદવારો એવા છે કે જેમની સામે ગુનાઓ સંબંધી કેસ નોંધાયેલા છે.

અજનાલાના ઉમેદવાર કુલદીપસિંહ ધાલીવાલ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયેલો છે. સુલ્તાનપુર લોધીના ઉમેદવાર સજ્જનસિંહ ચીમા વિરુદ્ધ જીવલેણ હુમલાનો કેસ નોંધાયેલો છે. જસવીરસિંહ ગિલ વિરુદ્ધ કલમ 420 હેઠળ બે કેસ નોંધાયેલા છે. સુખબીરસિંહ વિરુદ્ધ કલમ 420 હેઠળ ત્રણ કેસ નોંધાયેલા છે. બાકી સંખ્યાબંધ ઉમેદવારો સામે છેતરપિંડી, મારપીટ સહિતના કેસમાં ગુના નોંધાઇ ચૂક્યા છે. ચૂંટણી પંચે આપેલી સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી થયાના 48 કલાકમાં ઉમેદવારોના અપરાધિક ઇતિહાસ સંબંધી માહિતી જાહેર કરવાની રહે છે. ચૂંટણી પંચે આપેલી સૂચનાનું પાલન કરવામાં જોકે આમ આદમી પાર્ટી મોખરે રહી છે. અન્ય કોઇ રાજકીય પક્ષે ઉમેદવારો સંબંધમાં આવી કોઇ માહિતી જાહેર કરી નથી.

 

સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને સમાચાર ચેનલ્સ પર આવતા ઓપિનિયન પોલ દર્શાવવા સામે મનાઇ ફરમાવવા માગણી કરી છે. સપા પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમે પંચને પત્ર લખીને જણાવ્યું છે કે ઓપિનિયન પોલ આચારસંહિતાના ઉલ્લંઘન બરોબર છે. મતદારો તેથી ભ્રમિત થાય છે. બીજી તરફ બસપાએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના 18 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં માયાવતીના ભાઇ આનંદકુમારનો પણ સમાવેશ થાય છે. સપા પણ પોતાના 30 સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી ચૂકી છે. સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે પ્રગતિશીલ પાર્ટીના વડા શિવપાલસિંહ યાદવ જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડશે.

 

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા કલ્યાણસિંહના પૌત્ર સંદીપસિંહે અલીગઢની અતરોલી વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. યોગી સરકારમાં રાજ્યમંત્રીપદ સંભાળી રહેલા સંદીપસિંહે ઉમેદવારી પત્ર ભરતાં સોગંદનામું પણ રજૂ કર્યું છે. તેમાં પોતાની ઉંમર, અપરાધિક ઇતિહાસ, સંપત્તિ વગેરેની જાણકારી આપી છે. વર્ષ 2017માં તેમણે આપેલા સોગંદનામા સાથે હાલના સોગંદનામાની તુલના કરવામાં આવે તો વર્ષ 2017માં સંદીપસિંહની ઉંમર 26 વર્ષની હતી. હાલમાં ભરેલા સોગંદનામામાં તેમની ઉંમર 30 વર્ષ દર્શાવેલી છે. અર્થાત પાંચ વર્ષમાં તેમની ઉંમર માત્ર ચાર વર્ષ વધી છે.

 

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ રવિવારે ટ્વિટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે પક્ષના મુખ્યપ્રધાનપદના ઉમેદવારે ગણતરીના કલાકોમાં જ પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું. એવામાં બહેતર રહેશે કે કોંગ્રેસને મત આપીને તમારો મત ખરાબ ના કરો, અને એકતરફી રીતે બસપાને જ મત આપો. બસપા સુપ્રીમોએ એમ પણ લખ્યું કે, 'ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ જેવા પક્ષો લોકોની નજરમાં વોટ કાપવાવાળા પક્ષો છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ખેડૂત સંગઠન સંયુક્ત સમાજ મોરચાએ 35 ઉમેદવારોની નવી યાદી જારી કરી દીધી છે. તેમાં ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે સર્જાયેલી હિંસાના આરોપી લક્ખા સિધાનાના નામનો પણ સમાવેશ થાય છે. પોલીસે તે સમયે તેમના નામે એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી. પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે સંયુક્ત સંઘર્ષ પાર્ટી ચઢૂની તેમ જ સંયુક્ત સમાજ મોરચાના બલવીરસિંહ રાજેવાલ વચ્ચે સમજૂતી થઇ ચૂકી છે. બંને ખેડૂત સંગઠન સાથે મળીને ચૂંટણી લડશે.

(12:00 am IST)