Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

હવે ઓમિક્રોન વેરિયેન્ટે આતંક મચાવ્યો: દિલ્હી અને મુંબઇમાં કમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો થયો શરૂ

સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા INSACOGના લેટેસ્ટ બુલેટિને નિષ્ણાંતોની ચિંતા વધારી દીઘી

નવી દિલ્હી : કોરોનાની પહેલી અને બીજી લહેરની ઘાતકતા બાદ હવે ઓમિક્રોન વેરિયેન્ટે તરખાટ મચાવ્યો છે ત્યાંજ આ ઓમિક્રોન વેરિયન્ટનો બીજો એક પ્રકાર સામે આવ્યો છે તો સૌથી ચિંતાજનક વાત એ છે કે, દિલ્હી મુંબઇમાં કમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા INSACOGના લેટેસ્ટ બુલેટિને નિષ્ણાંતોની ચિંતા વધારી દીઘી છે.

INSACOG તરફથી એવું કહેવાયું છેકે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ કમ્યુનિટી સ્પ્રેડના તબક્કામાં પહોંચી ગયો છે.
હાલ દિલ્હી મુંબઇની સાથે અન્ય ઘણા મહાનગરોમાં આ સ્થિતી સર્જાવા લાગી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BA.2ના ઘણા કેસ પણ દેશભરમાં જોવા મળ્યા છે. INSACOGએ પણ જણાવ્યું છે કે
અત્યાર સુધી ઓમિક્રોન કેસો એસિમ્પટમેટિક અથવા હળવા હતા પરંતુ, વર્તમાન લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવાના અને ICUની જરૂરિયાતના કેસ વધી રહ્યા છે.

આ સિવાય નવા પ્રકાર B.1.640.2 પર ખૂબજ સઘન દેખરેખ રાખવાની સૂચના અપાઇ છે. જો કે રાહતની વાત એટલી છેકે તે ઝડપી સ્પ્રેડ થાય તેવા કોઇ પુરાવા મળ્યા નથી. INSACOGના અહેવાલમાં જણાવાયું છેકે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કમ્યુનિટી સ્પ્રેડ થવા લાગ્યું છે, જેથી હજુ પણ વધારે ઝડપથી કેસો આવે તેવી શકયતા છે. આ સાથે આરોગ્ય મંત્રાલયે અપીલ કરી છે કે, ઓમિક્રોન વેરિઅન્ટના કમ્યુનીટી સ્પ્રેડિંગને ટાળવા માટે માસ્ક, સેનિટાઇઝેશન, અને રસીકરણ જ મુખ્ય હથિયાર છે જેથી લોકો તેનું પાલન કરે.

(9:42 am IST)