Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

શેર બજારમાં લાગૂ થવા જઈ રહ્યો છે T+1 સેટલમેન્ટ સાઈકલ ફેબ્રુઆરી ૨૦૨૨થી લાગૂ

રોકાણ કરતાઓ માટે મોટા સમાચાર! સેબીએ નવો નિયમ તૈયાર કર્યો

નવી દિલ્હી, તા.૨૪: શેર બજારમાં ઈન્વેસ્ટ કરનારાઓ માટે કામના સમાચાર આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરના ખરદી-વેચાણના સેટલમેન્ટ માટે વૈકલ્પિક આધાર પર ‘T+1’ની નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે. તેનો હેતુ બજારમાં વેપાર વધારવાનો છે. હાલમાં, સ્થાનિક સ્ટોક એકસચેન્જો પર સોદા બંધ કરવામાં ટ્રેડિંગ ડે પછી બે કામકાજી દિવસ (T+2) લાગે છે.

સેબીએ જાહેર કરેલા સર્કયુલરના અનુસાર શેર ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેટલમેન્ટ સમય માટે ‘T+1’ અથવા ‘T+2’નો વિકલ્પ આપીને સ્ટોક એકસચેન્જોને સુગમતા પ્રદાન કરી છે. આ સેટલમેન્ટ પ્લાન શેર માટે છે અને તે વૈકલ્પિક છે, એટલે કે વેપારીઓ જો ઇચ્છે તો તેનો વિકલ્પ પસંદ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨થી લાગુ થશે.

અગાઉ T+1 લાગૂ કરવાની અંતિમ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સેબીએ થોડી છૂટછાટ આપીને આ સમયમર્યાદા વધારીને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ કરી છે. સમયમર્યાદા વધારવાની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આટલી જલ્દી નવી સિસ્ટમ લાગૂ કરવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ સેટલમેન્ટ પ્લાન શેર માટે છે. અગાઉ તે એકસચેન્જો માટે વૈકલ્પિક હતું, પરંતુ હવે તે ફરજિયાત હશે.

વાસ્તવમાં, માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આવી દ્યણી વિનંતીઓ આવી રહી હતી, જેમાં સેટલમેન્ટ સાયકલ દ્યટાડવાની માંગ કરવામાં આવી હતી. આ વિનંતીઓને ધ્યાનમાં રાખીને સેબીએ નવો નિયમ તૈયાર કર્યો છે. સેબીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે સ્ટોક એકસચેન્જ, કલીયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટર્સ જેવી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્ટોક એકસચેન્જને T+1 અથવા T+2 સેટલમેન્ટ સાયકલમાં પતાવટ કરવાની સુવિધા હશે.

સેબીના પરિપત્ર મુજબ, કોઈપણ સ્ટોક એકસચેન્જ તમામ શેરધારકો માટે કોઈપણ શેર માટે વ્ૅ૧ સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. જોકે, સેટલમેન્ટ સાઇકલ બદલવા માટે ઓછામાં ઓછી એક મહિનાની નોટિસ આપવી પડશે. એકવાર સ્ટોક એકસચેન્જ કોઈપણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરે, તે ઓછામાં ઓછા ૬ મહિના માટે ચાલુ રાખવું પડશે. જો સ્ટોક એકસચેન્જ વચ્ચે T+2 સેટલમેન્ટ સાઈકલ પસંદ કરવા માંગે છે, તો એક મહિનાની અગાઉથી નોટિસ આપવી પડશે.

(9:54 am IST)