Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

શેરબજાર ધડામ : ૧૯૦૦થી વધુ પોઇન્‍ટનું ગાબડુ : રોકાણકારોના ૧૦ લાખ કરોડથી વધુ સ્‍વાહા

ક્રુડના વધતા ભાવના કારણે મોંઘવારી વધશે તેવી દહેશતઃ ફેડરલ રિઝર્વ દ્વારા વ્‍યાજ વધારવાની શક્‍યતા અને ઓમિક્રોનને કારણે શેરબજારનો ભાંગીને ભૂક્કો : છેલ્લા પાંચ દિવસથી બરફની જેમ ઓગળી રહ્યુ છે શેરબજારઃ ૮૭૨ શેરમાં લો સર્કિટઃ ૩ હજાર શેર રેડ ઝોનમાં: ગુરૂવારે ફેડરલ રિઝર્વની બેઠક ઉપર ધ્‍યાન કેન્‍દ્રીતઃ છેલ્લા પાંચ સેશનમાં રોકાણકારોના ૧૭.૫ ટ્રીલીયન રૂપિયા ડૂબી ગયાઃ તમામ સેક્‍ટરમાં વેચવાલીઃ ૨.૧૫ કલાકે સેન્‍સેક્‍સ ૧૯૯૧ પોઇન્‍ટ ઘટીને ૫૭૦૫૯: નીફટી ૬૦૩ પોઇન્‍ટ તૂટીને ૧૭૦૧૩ ઉપર છે

મુંબઈ, તા. ૨૪ : ક્રૂડના ભાવ ૭ વર્ષના આસમાને પહોંચતા તથા તેના કારણે ફુગાવો વધશે તેવી દહેશત, ગુરૂવારે મળનારી અમેરિકી ફેડરલ રીઝર્વ દ્વારા વ્‍યાજ વધારવામાં આવશે તેવી શંકા અને વૈશ્વિક વેચવાલીને કારણે આજે શેરબજાર ઉંધામાથે પટકાયુ છે. ૧૯૯૦થી વધુ પોઈન્‍ટનું ગાબડુ સેન્‍સેકસમાં નોંધાયુ છે જ્‍યારે નિફટી પણ ૬૦૦થી વધુ પોઈન્‍ટ ગબડી છે. છેલ્લા ૫ સેસનમાં રોકાણકારોને ૧૭.૫ ટ્રીલીયન રૂપિયા ડૂબ્‍યા છે. આજે કડાકો બોલતા રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્‍વાહા થઈ ગયા છે. ૮૭૨ શેરોમાં લો સર્કિટ લાગી છે જ્‍યારે ૩૦૦૦ શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૧૯૯૧ પોઈન્‍ટ ઘટીને ૫૭૦૫૯ અને નિફટી ૬૦૩ પોઈન્‍ટ ઘટીને ૧૭૦૧૩ ઉપર ટ્રેડ કરી રહેલ છે. તમામ સેકટર રેડ ઝોનમાં છે અને બજાર ઉપર ભારે વેચવાલીનુ પ્રેશર જોવા મળી રહ્યુ છે.
આજે સવારે બજાર નબળા વૈશ્વિક સંકેતોને કારણે રેડ ઝોનમાં ખુલ્‍યુ હતુ અને બપોરે એકધારી વેચવાલી નિકળતા બજારનો ભાંગીનો ભૂક્કો થઈ ગયો હતો. છેલ્લા ૨ કલાકમાં સેન્‍સેકસ અને નિફટીમાં ભારે ગાબડુ પડી ગયુ હતુ. દિગ્‍ગજ શેરોના હાલબેહાલ થઈ ગયા છે.
સતત ૫ દિવસથી શેરબજારને કોરોના થઈ ગયો હોય તેવુ જણાય છે અને બજાર માંદગીના ખાટલે પડયુ છે. નિફટી અને સેન્‍સેકસ બરફની જેમ ઓગળી રહ્યા છે. ટાઈટન ૨૩૯૩, ટેક મહિન્‍દ્રા ૧૫૦૪, વીપ્રો ૫૭૦, ટાટા સ્‍ટીલ ૧૧૦૦, કોલ્‍ટેપાટીલ ૩૦૦, ત્રિવેણી ૨૨૬, જેએસએલ ૩૫૫, એનઆઈઆઈટી ૪૦૮, ટ્રાન્‍સપોર્ટ કોર્પ ૬૯૫, શોભા ૮૬૦, એલીકોન ૧૬૭, શારદા કોર્પ ૪૧૮, બંધન બેન્‍ક ૩૦૧, ઈન્‍ડીયા ટુરીઝમ ૩૯૮, સીએસબી બેન્‍ક ૨૪૪, સીપલા ૮૭૮, લુપીન ૯૧૨ ઉપર ટ્રેડ કરી રહેલ છે.
 

(3:13 pm IST)