Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પાકનું રેસ્ટોરન્ટ... અહિંયા એક મોલની ૮૦ જાત!

રાજસ્થાનમાં કેન્દ્રીય સુકી ખેતી સંસ્થાન દ્વારા ઉભી કરાઇ 'ફસલ વાટીકા': ખેડુતો તુલના કરી કયું વાવેતર કરવું તે નક્કી કરી શકે છે

જોધપુર, તા., ર૪: રેસ્ટોરન્ટમાં જેમ જમવાની જુદી જુદી વેરાયટીઓ એક સાથે ઉપલબ્ધ હોય છે અને તમે મનપસંદ જમવાનો ઓર્ડર આપી શકો છો તેવી જ રીતે જ રાજસ્થાનમાં પાકનું રેસ્ટોરન્ટ ઉભું કરવામાં આવ્યું છે. અહિંયા એક જ સ્થળે જુદા-જુદા ૭ પાકોની ૮૦ જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર નિહાળી ખેડુતો તેમની જમીન માટે કયું વાવેતર વધુ ફાયદાકારક રહેશે તે નિર્ણય કરી શકે છે. કેન્દ્રીય શુષ્ક અનુસંધાન સંસ્થાન (કાજરી) એ ખેડુતો માટે 'ફસલ વાટીકા' ઉભી કરી છે. જેને આપણે પાકનું રેસ્ટોરન્ટ કહી શકીએ.

એક જ ખેતરમાં જુદા-જુદા ૭ પાકોની ૮૦ વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. રાયડાની સૌથી વધુ ૩૦ જાત અહીંયા ઉપલબ્ધ છે. ખેડુતોલક્ષી જાતોની પેદાવાર, વૃધ્ધિ, તેનું સ્વાસ્થ્ય, ખર્ચની તુલના કરી સૌથી વધુ ફાયદાકારક શું રહેશે તે ખેડુત નક્કી શકે છે.

કાજરી દ્વારા ૪ પરંપરાગત પાક જીરૂ, રાયડા, ઇસબગુલ અને મેથીની જુદી-જુદી જાતો વાવવામાં આવી છે. આ ઉપરાંત સુપર ક્રોપ રાજગરા, કયુનોવા અને ચીયાની જાતો પણ વાવવામાં આવી છે. આવનારા સમયમાં  સુપર ફુડની વધુ માંગ રહેવાના કારણે સુપર ક્રોપનું વાવેતર કરવાવાળા ખેડુતોને વધુ ફાયદો રહેશે.

કાજરી, જોધપુરના મુખ્ય વૈજ્ઞાનિક ડો. એચ.આર. મહેતાએ જણાવ્યું હતું કે, કિસાનોની સગવડતા માટે વધુ સારા પાકની ઓળખ એક જ જગ્યાએ થઇ શકે અને તેના વાવેતરની સંપુર્ણ પ્રક્રિયા અને ઉપાયો ફસલ વાટીકામાં જાણી શકાય છે.

(1:35 pm IST)