Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લખનૌની ટીમ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ’ તરીકે ઓળખાશે

લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક RPSG વેન્ચર્સ લિમિટેડ (ગોએન્કા ગ્રૂપ)ના ચેરમેન ડૉ. સંજીવ ગોએન્કાએ વીડિયો સંદેશ દ્વારા નામની જાહેરાત કરી

મુંબઈ :  લખનૌ ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર નામની જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઈઝી ‘લખનૌ સુપર જાયન્ટ્સ’ તરીકે ઓળખાશે. લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક RPSG વેન્ચર્સ લિમિટેડ (ગોએન્કા ગ્રૂપ)ના ચેરમેન ડૉ. સંજીવ ગોએન્કાએ વીડિયો સંદેશ દ્વારા નામની જાહેરાત કરી હતી.આ પહેલા ગોએન્કા ગ્રુપે 2016માં પુણેની ફ્રેન્ચાઈઝી પણ ખરીદી હતી. ત્યારે પણ તેણે પોતાની ટીમનું નામ ‘રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ’ રાખ્યું હતું. બે વર્ષ પછી એટલે કે 2018 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ IPLમાં પાછા ફર્યા પછી પુણેની ટીમ IPLમાંથી પાછી ખેંચી લીધી હતી

લખનૌ ફ્રેન્ચાઇઝીએ નામ નક્કી કરવા માટે સોશિયલ મીડિયા પર એક સ્પર્ધા યોજી હતી. તેણે તેનું નામ ‘નામ બનાઓ ઔર નામ કમાઓ’ રાખ્યું. સંજીવ ગોએન્કાએ કહ્યું કે આના દ્વારા લાખો સંદેશાઓ અમારા સુધી પહોંચ્યા અને તેના આધારે અમને જણાવતા આનંદ થાય છે કે અમે અમારી ટીમનું નામ લખનૌ સુપર જાયન્ટ્સ રાખ્યું છે. લખનૌની ટીમને આ રીતે તમારો પ્રેમ આપતા રહો.

આ વર્ષે આઈપીએલમાં આઠને બદલે કુલ 10 ટીમો રમશે. BCCIએ ગયા વર્ષે 25 ઓક્ટોબરે IPL માટે બે નવી ટીમોની જાહેરાત કરી હતી. લખનૌને RPSG વેન્ચર્સ લિમિટેડે રૂ. 7090 કરોડમાં અને અમદાવાદને CVC કેપિટલ દ્વારા રૂ. 5625 કરોડમાં ખરીદ્યું હતું. અમદાવાદનું સત્તાવાર નામ હજુ જાહેર થયું નથી.

(8:52 pm IST)