Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ભારતીય બિઝનેસમેને ફિક્સિંગ કરવા માટે બ્લેકમેલ કર્યો : કોકેન લેતો વિડિયો ઉતાર્યો:ક્રિકેટરના ચોંકાવનારા ખુલાસા

ભારતીય બિઝનેસમેને સ્પોન્સરશિપના બહાને એપ્રોચ કર્યો :ક્રિકેટ જગતમાં મેચ ફિક્સિંગના આક્ષેપે ફરી એક વખત સનસનાટી મચાવી

મુંબઈ :  ક્રિકેટ જગતમાં મેચ ફિક્સિંગના આક્ષેપે ફરી એક વખત સનસનાટી મચાવી છે. ઝિમ્બાબ્વેના સિનિયર ક્રિકેટર અને 200 કરતા વધારે વન ડે રમી ચુકેલા બ્રેન્ડન ટેલરે કબૂલાત કરી છે કે, મારો સ્પોટ ફિક્સિંગ માટે એક ભારતીય બિઝનેસમેન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2019માં કોઈ ભારતીય બિઝનેસમેને મારો સ્પોન્સરશિપના બહાને એપ્રોચ કર્યો હતો.

મને કહેવામાં આવ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં ટી-20 લીગ શરુ કરવાની યોજના છે. મને ભારત આવવા માટે 15,000 ડોલર આપવામાં આવ્યા હતા. મારું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત હતું એટલે હું ભારત આવીને આ બિઝનેસમેનને મળ્યો હતો.

બ્રેન્ડન ટેલરનું કહેવું છે કે, આ બિઝનેસમેન સાથે મુલાકાત દરમિયાન ડ્રિન્કસ પાર્ટી થઈ રહી હતી અને મને કોકેન ઓફર કરાયું હતું. લોકો તેનું સેવન કરી રહ્યા હતા અને મેં પણ કોકેન લીધું હતું. બીજા દિવસે કોઈ વ્યક્તિએ આવીને મને તેનો વિડિયો બતાવ્યો હતો. આ વિડિયો બતાવીને મને બ્લેકમેલ કરાયો હતો કે, હું મેચ ફિક્સિંગ નહીં કરું તો આ વિડિયો રિલિઝ કરી દેવામાં આવશે.

ટેલરનું કહેવું છે કે, 2019માં બનેલી ઘટનાનો ભાર હું માથા પર લઈને ચાલી રહ્યો હતો અને તેના કારણે મારી મેન્ટલ હેલ્થ પર અસર પડી હતી. જેના કારણે મેં આ અંગે કબૂલાત કરી છે. દરમિયાન ટેલરનું નિવેદન સામે આવ્યા બાદ આઈસીસી દ્વારા તેના પર બેન મુકાયો છે અને આ મામલામાં આઈસીસી વધુ કેટલાક ખુલાસા કરી શકે છે.

(11:38 pm IST)