Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ફકત ૨ રાજ્યોમાં ૭૫ ટકા નવા કોરોનાના કેસ

ત્રણ રાજ્યોમાં મળ્યું કોરોનાનું નવુ સ્વરૂપ

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં કોરોના સંક્રમણના સર્વાધિક કેસ મહારાષ્ટ્ર કેરળના છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ દેશના કુલ એકટીવ કેસમાં ૩૮ ટકા કેરળમાં અને ૩૭ ટકા કેસ મહારાષ્ટ્રમાં છે. બીજી બાજુ નીતિ પંચના સભ્ય વી.કે.પોલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં સંક્રમણના બ્રિટીશ પ્રતિરૂપના ૧૮૭ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રીકાના છ અને બ્રાઝીલનો ૧ કેસ આવ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં નવા કોરોનાના સ્વરૂપ જોવા મળ્યા છે.

રાજેશ ભૂષણે જણાવ્યું કે, હવે દેશમાં ફકત બે રાજ્યોમાં ૭૫ ટકાથી વધુ કોરોનાના કેસ છે તે રાજ્ય છે કેરળ અને મહારાષ્ટ્ર હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા ૧.૫૦ લાખથી ઓછી છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્રના અમરાવતીમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. દેશના કુલ એકટીવ કેસોમાં ૩૮ ટકા કેરળમાં અને ૩૭ ટકા કેસ મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં ૪ ટકા અને તામિલનાડુમાં ૨.૭૮ ટકા નોંધાયા છે.

(10:55 am IST)