Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોરોના રીપોર્ટ નેગેટીવ હશે તો જ પાંચ રાજયોના લોકોને મળશે દિલ્હીમાં એન્ટ્રી!

નવી દિલ્હી, તા.૨૪: કોરોનાના વધતા કેસને જોઇને દિલ્હી સરકાર એલર્ટ થઇ છે હવે પાંચ રાજયોથી દિલ્હી આવતા લોકોએ કોરોના નેગેટીવ રીપોર્ટ લઇને આવવું ફરજીયાત થશે. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી દિલ્હી આવતા લોકોએ RT-PCR દેખાડીને જ દિલ્હીમાં એન્ટ્રી મળશે.

છેલ્લા એક સપ્તાહમાં જે નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તેમાં ૮૬ ટકા આ જ પાંચ રાજયોમાંથી છે ત્યારબાદ દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે. આ અંગે સત્તાવાર આદેશ જાહેર થવાની તૈયારીમાં છે દિલ્હી સરકારનો આ આદેશ ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી લાગુ રહેશે. આ આદેશ ફલાઇટ, ટ્રેન, અને બસથી દિલ્હી આવતા યાત્રિકો પર લાગુ કરાશે જયારે કારથી દિલ્હી આવતા યાત્રિકો તેનાથી બહાર રહેશે. જો તમે આ પાંચ રાજયોમાંથી દિલ્હી આવી રહ્યા છો તો નેગેટીવ રીપોર્ટ લઇ આવવો પડશે. અગાઉ ઉતરાખંડ સરકારે આ પાંચ રાજયોથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ હતું. સરકારે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી આવતા લોકોની જિલ્લા બોર્ડર પર કોરોનાની તપાસ કરવામાં આવશે.

(11:13 am IST)