Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

બિહારમાં મંગળવાર બન્યો અમંગળઃ અલગ-અલગ રોડ અકસ્માતમાં ૧૪ના મોત

મૃતકોમાં ધો.૧૦ની ૪ વિદ્યાર્થીનીઓઃ એક મહિલાનો પણ જીવ ગયો

પટણાઃ મંગળવારનો દિવસ બિહાર માટે અમંગળ રહ્યો હતો. ૪ જીલ્લામાં થયેલ રોડ અકસ્માતોમાં ૧૪ લોકોના મોત થયા હતા. સવાર સવારમાં જ કટિહારમાં છ લોકોના જીવ ગયા હતા. સવારથી શરૂ થયેલ અકસ્માતોનો સિલસિલો મોડી સાંજ સુધી ચાલુ રહ્યો. બેગુસરાયમાં ૪ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જયારે સિવાનમાં એક જ પરિવારના ૩ લોકો મરી ગયા હતા તો સમસ્તી પુરમાં ૧ મહિલાનો જીવ ગયો હતો. મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ૪-૪- લાખનું વળતર અપાયું હતું.

બેગુસરાયમાં મેટ્રીકના પરીક્ષાર્થીઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર ૪ વિદ્યાર્થીનીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય ૪ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાથી રોષે ભરાયેલ ભીડે રોડને જામ કરી દીધો હતો અને બસને સળગાવી દીધી હતી. બસ અને બોલેરોની ટક્કર એટલી જોરદાર હતી કે બોેલેરોના ડુચ્ચા ઉડી ગયા હતા. સમસ્તી પુરમાં  એક મહિલા પોતાના ઘરના દરવાજા પર વાસણ ધોઇ રહી હતી ત્યારે બહુ ઝડપથી આવી રહેલી એક કારે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.

સીવાનમાં એક જ પરિવારના ચાર લોકો એક બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક અનિયમિત ટ્રકે ઠોકર મારતા ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ એક મહિલા હોસ્પિટલમાં છે. અકસ્માત પછી રોડ કલાકો સુધી જામ રહ્યો હતો. તો કટીહારમાં થયેલ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા અને ૩ ઘાયલ છે. કટીહારના કુરસેલામાં નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક એસયુવી કાર એક બહુ ઝડપથી જઇ રહેલા ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માત પર વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યકત કર્યુ હતું. મુખ્યપ્રધાન નીતીશકુમારે પણ શોક વ્યકત કર્યો હતો.

(12:43 pm IST)