Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પેટ્રોલ-ડિઝલ ઉપરનો ટેક્ષ ઘટી રહ્યો છે ? ટેક્ષ ઘટાડી જીએસટીના દાયરામાં લઈ લેવાશે ?

નિર્મલા સિતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન પછી રિઝર્વ બેન્કના ગવર્નરે પણ કહ્યું કે ટેક્ષ ઓછો થવો જોઈએ

નવી દિલ્હી, તા. ૨૪ :. પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંતા દાસે પણ ટેકસ ઘટાડીને ભાવ કાબુમાં લેવાનું સૂચન કર્યુ છે.

આરબીઆઈ મોનિટરી પોલીસીના મિનિટ્સમા શકિતકાંતા દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ ઈનડાયરેકટ ટેકસમાં કાપ મુકે જેથી કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાય. તેમણે કહ્યું કે ટેકસની 'કેલિબ્રેટેડ અનવાઈન્ડિંગ' કરવી જરૂરી છે. જેથી કરીને ઈકોનોમી ઉપરથી કિંમતોનું દબાણ હટાવી શકાય, એટલે કે ધીરે ધીરે ટેકસ ઘટાડવો પડશે. એમપીસીની મિનિટ્સમાં કહેવાયુ છે કે ડિસેમ્બરમાં સીપીઆઈ એટલે કે રીટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવવા છતાં ૫.૫ ટકાથી ઉપર રહ્યો છે, કારણ કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પેટ્રોલ-ડીઝલ પર ઉંચા ઈન્ડાઈરેકટ ટેકસના કારણે મુખ્ય સામાન અને સેવાઓની મોંઘવારી વધી ગઈ. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.

આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે તેને જીએસટીના દાયરામાં લાવવાની વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફયુલના ભાવ ઓછા થઈ શકે.

(2:32 pm IST)