Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આજથી 5 હજાર વર્ષ પહેલા સતીએ તેમના પિતા દક્ષ પ્રજાપતિની ઈચ્છા વિરુદ્ધ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા : ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા : ઉંમરલાયક મહિલા માણસ છે પશુ નથી : નાત જાતના ભેદભાવ વિના જીવનસાથી પસંદ કરવાનો તેનો મૂળભૂત અધિકાર છે : હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો

હિમાચલ પ્રદેશ : તાજેતરમાં હિમાચલ પ્રદેશ  હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે લગ્ન કરવા લાયક મહિલા માણસ છે પશુ નથી . નાત  જાતના ભેદભાવ વિના  જીવનસાથી પસંદ કરવાનો તેનો  મૂળભૂત અધિકાર છે .ઉપરોક્ત બાબતે નામદાર કોર્ટએ ટકોર કરતા જણાવ્યું હતું કે આજથી 5 હજાર વર્ષ પહેલા સતીએ તેમના પિતા દક્ષ પ્રજાપતિની ઈચ્છા  વિરુદ્ધ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે પુખ્ત વયની મહિલા ઉપર તેના મા બાપ ,સગા સબંધી ,કે મિત્રો દબાણ કરી શકે નહીં.આ બાબત તેના ધાર્મિક ઉપરાંત બંધારણીય અધિકાર ઉપર તરાપ સમાન છે.આપણે બંધારણ ધરાવતા રાજ્યમાં રહીએ છીએ જ્યાં નાતજાતના ભેદ વિના જીવનસાથી પસંદ કરવાનો નાગરિકને બંધારણીય અધિકાર છે.

પુખ્ત વયની યુવતી કોમલ પરમારને તેના પરિવારજનોએ બંધક બનાવી રાખી પોતાની સાથે લગ્ન કરતી અટકાવી રાખતા સંજીવ કુમાર નામક યુવાને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અરજદારે જણાવ્યું હતું કે પોતે નીચી જ્ઞાતિમાંથી આવતો હોવાથી અને યુવતી ઉચ્ચ જ્ઞાતિની હોવાના કારણસર યુવતીનો પરિવાર લગ્ન કરવામાં અવરોધ ઉભા કરે છે.યુવતીને બંધક બનાવી રાખી છે.તથા પોતાને અને પોતાના પરિવારને ધમકી આપી રહ્યા છે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો દરેક પુખ્ત વયની વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે.તેમણે ઉમેર્યું હતું કે પુખ્ત વયની મહિલા માણસ છે પશુ નથી.તેને પોતાની મરજી મુજબના જીવનસાથી સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:33 pm IST)