Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

NSE(શેરબજાર)માં મોટો ફોલ્ટઃ ૩ કલાકથી બંધઃ લાખો સોદા 'ફોક' થવાનો ભય

મુંબઈ કે દિલ્હી કયા સ્થળે ફોલ્ટ તે નક્કી નથી થતું: લીઝ લાઈન-બે વેન્ડરમાં ફોલ્ટ શોધી કાઢવા મથામણઃ દેશભરમાં ઘેરા પડઘા : હજારો બ્રોકરો-લાખો ગ્રાહકોને ગંભીર અસરઃ જો સોદા ફોક થાય તો ખોટ કરનારા બચી જશે પણ કમાનારા ધોવાશેઃ જવાબદાર કોણ : આની પહેલા એનએસઈ બંધ થયુ ત્યારે તે દિવસના તમામ સોદા ફોક થયા હતાઃ બજાર બંધ થયુ તેમા એક રાહતના સમાચારઃ દેશભરમાં ખરીદ-વેચાણની લાખો લીમીટો નીકળી ગઈ?!

રાજકોટ, તા. ૨૪ :. દેશના બીજા નંબરનું ગણાતુ નેશનલ સ્ટોક એક્ષચેન્જ એટલે કે એનએસઈ (શેરબજાર)મા આજે સવારે દિલ્હી-મુંબઈમા મેઈન કંટ્રોલ રૂમમા મોટો ટેકનિકલ ફોલ્ટ સર્જાતા સવારે ૧૧.૪૦થી કામગીરી ઠપ્પ બની ગઈ હતી. આ લખાય છે ત્યારે બપોરે ૨ાા વાગ્યે પણ ચાલુ થયુ નથી, ટૂંકમાં ૩ કલાકથી એનએસઈ બંધ છે. પરિણામે આજના તમામ સોદા ફોક થવાનો ભય ઉભો થયો છે.

એનએસઈમાં ફોલ્ટ સર્જાતા અને ૩ કલાકમાં સોદા અટકી પડતા દેશભરમાં

તેના ઘેરા પડઘા પડયા છે. લાખો ગ્રાહકો અને હજારો બ્રોકરોને આની ગંભીર અસર ઉદભવી હતી અને ફરીયાદોના ઢગલા થયા હતા.

આગેવાન બ્રોકરોએ ઉમેર્યુ હતુ કે સવારે ૧૧.૪૦થી એનએસઈમાં ફયુચર, ડેઈલી ટ્રેડીંગ અને જે ડિલીવરી બેઈઝ કામ કરતા હોય તેવા લાખો ગ્રાહકોના સોદા અટકી પડયા હતા. પરિણામે જબરી નુકશાની વહન કરવાનો વારો આવ્યો હતો, કારણ કે બંધ થયુ તે સમયે જે શેરનો જે ભાવ હોય તે પુનઃ ચાલુ થાય તો ત્યતારે ભાવોમાં ઉછળકુદ કે ભાવો ફરી જાય તો અનેક સલવાઈ જાય તેવો ભય ઉભો થયો છે. ડેઈલી ટ્રેડીંગ માથે વેચાનારા કે લેનારા ફસાયા છે અને અમુક કમાયા પણ છે. આ બાબતે બ્રોકરો, અધિકારીઓનુ ધ્યાન દોરાયુ હતુ. ફોલ્ટ આવતા અધિકારીઓને દોરાવાયા હતા હાલ અધિકારીઓ ટેકનીકલ ફોલ્ટ હોવાનું જણાવી રહ્યા છે.

દરમિયાન આગેવાન બ્રોકરોએ 'અકિલા'ને જણાવેલ કે એનએસઈનું દિલ્હી અને મુંબઈ બન્ને સ્થળે સર્વર છે, કઈ જગ્યાએ ફોલ્ટ થયો તે જાહેર કરાયુ નથી, બે સર્વર, બે લીઝ લાઈન, બે વેન્ડર છે, પરંતુ કયા ફોલ્ટ અને કયા કારણોસર થયુ તે નક્કી થયુ નથી, એનએસઈ બંધ થયુ ત્યારે નીફટી ૧૪૮૨૦ એટલે કે ૧૧૨ પોઈન્ટ અપ હતી, બીએસઈ કરતા એનએસઈમાં ધૂમ વોલ્યુમ હોય છે. આ પહેલા એનએસઈમાં આવુ થયુ ત્યારે તે દિવસના તમામ ખરીદ-વેચાણના સોદા ફોક થયા હતા. આજે પણ આવો ભય સેવાય રહ્યો છે. બ્રોકરોએ જણાવ્યુ હતુ કે જે ગ્રાહકોએ શેર ખરીદ-વેચાણ માટે લીમીટો નાખી હતી તે તમામ લાખો લીમીટો નીકળી ગઈ છે તે રાહતના સમાચાર છે પરંતુ ૧૧.૪૦ પહેલા જેમના સોદા થયા તે ગ્રાહકોને મોટી ખોટ કે મોટા નફા અંગ કોણ જવાબદાર બ્રોકર કે એનએસઈ તે અંગે દેશભરમાં ચર્ચા છે. જે બજાર ચાલુ થાય તો મોડે સુધી એટલે કે પ થી ૫ાા સુધી ચલાવવુ પડે અથવા તો સોદા ફોક જેવો નિર્ણય આવી શકે છે.

બપોરે ૨ાા વાગ્યે

મુંબઈ શેરબજાર રાબેતા મુજબ ચાલુ પરંતુ એનએસઈ બંધ હોય વોલ્યુમ તદ્દન પાંખુઃ ઈન્ડેક્ષ ૫૪ અપ સાથે ૫૦૦૧૫: તમામ શેરમાં પડયા ભાવઃ રીલાયન્સ-બેન્ક શેરોમાં તેજીઃ સ્ટીલ સેકટરમાં પડયા ભાવ

(3:49 pm IST)