Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર અપાશે

રેલવેમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર : કોરોના ને લીધે મુસાફરોને ઘરેથી ધાબળા લાવવા કહેવાયું હતું, હવે લોકો તે ખરીદી શકશે અને ઘરે લઈ જઈ શકશે

નવી દિલ્હી, તા. ૨૪ : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.જે અનુસાર હવે રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરોને ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર આપવામાં આવશે.

આ પહેલા કોરોના વાયરસના કારણે ટ્રેનોના એસી કોચમાં અપાતા બેડરોલ બંધ કરાયા હતા અને પડદા પણ હટાવી દેવાયા હતા.એ પછી ટ્રેન સેવાઓ શરુ થઈ ત્યાર મુસાફરોને ઘરેથી ધાબળા કે ચાદર લાવવા માટે કહેવાયું હતું.

જોકે હવે રેલવે દ્વારા ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદરનુ વેચાણ પ્લેટફોર્મ પર શરુ કરવામાં આવનાર છે.આ માટે દરેક સ્ટેશન પર કાઉન્ટર લગાવાશે.કાઉન્ટર લગાવવા માટે ટેન્ડર બહાર પડાશે.મુસાફરો કાઉન્ટર પરથી ધાબળા, ચાદર તેમજ સેનિટાઈઝર અને માસ્ક પણ ખરીદી શકશે.આ ધાબળા ચાદર મુસાફરો ઈચ્છે તો ઘરે પણ લઈ જઈ શકશે.

એક બેડિંગ કિટમાં એક ધાબળો, તકીયો અને ચાદર હશે.તેને રેલવેને પાછી આપવાની જરુર પણ નથી.આખી બેડિંગ કિટ માટે મુસાફરે ૨૫૦ રુપિયા ખર્ચવા પડશે જ્યારે માત્ર ચાદર લેવા માટે ૫૦ આપવાના રહેશે.ધાબળો ૧૦૦ રુપિયાનો મળશે અને ચાદર સાથે ઓશીકાની કિંમત ૧૦૦ રુપિયા રખાશે. રેલવે સ્ટેશન પર સેનિટાઈઝન માટે પણ વ્યવસ્થા કરાઈ છે.૧૦ રુપિયામાં મુસાફર બેગ સેનિટાઈઝ કરાવી શકશે.

(7:21 pm IST)