Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સૌથી વધુ દારૂ કૌભાંડ ગુજરાતમાં થયું છે, છતાં કેન્દ્ર સરકાર ચુપ !: કેજરીવાલના આકરા પ્રહાર

ભગતસિંહે વિચાર્યું નહીં હોય કે એક એવું ભારત બનશે કે જ્યાં પોસ્ટરો લગાવવાના ગુનામાં 138 FIR નોંધવામાં આવશે: 100 વર્ષ પહેલા અંગ્રેજોએ પણ પોસ્ટર ચોંટાડવા બદલ કોઈની ધરપકડ કરી ન હતી

અમદાવાદ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કટાક્ષ કરતા જણાવ્યું કે, મોદીજી કહે છે કે, ભ્રષ્ટાચાર કરવો હોય તો મારી પાર્ટીમાં રહીને કરો., મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, PM મોદીને ઊંઘ નથી આવતી, તેથી જ તેઓ ગુસ્સાથી ભરેલો રહે છે. તેમણે જણાવ્યું કે, 100 વર્ષ પહેલા અંગ્રેજોએ પણ પોસ્ટર ચોંટાડવા બદલ કોઈની ધરપકડ કરી ન હતી, કોઈ FIR પણ કરી ન હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, ભગતસિંહે વિચાર્યું પણ નહીં હોય કે, એક એવું ભારત બનશે કે 100 વર્ષ બાદ એવા વડાપ્રધાન આવશે કે પોસ્ટરો લગાવવાના ગુનામાં 138 FIR નોંધવામાં આવશે. કેજરીવાલનો આ આરોપ તાજેતરમાં દિલ્હીમાં સામે આવેલા 'મોદી ભગાઓ, દેશ બચાવો'ના પોસ્ટરને લઈને હતો. કેજરીવાલે તેમના સંબોધનમાં જણાવ્યું કે, આ દેશની અંદર કોઈ મહિલા સાથે કંઈક ખોટું થાય તો FIR નોંધવામાં નાની યાદ આવી જાય છે. ચોરી, ખૂન, લૂંટ, સ્નેચિંગની ઘટનાઓમાં પોલીસ FIR નોંધતી નથી. બીજી તરફ દિલ્હીમાં 24 કલાકની અંદર પોસ્ટરો ચોંટાડવાના ગુનામાં આટલી બધી FIR નોંધાઈ ગઈ...

ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના ત્યાંથી એક પણ પૈસો મળ્યો નથી. છતાં આ લોકોને જેલમાં બંધ કરી દીધા છે. તેમણે કહ્યું કે, સૌથી વધુ દારૂ કૌભાંડ ગુજરાતમાં થયું છે, છતાં કેન્દ્ર સરકાર ચુપ બેઠી છે. અરવિંદ કેજરીવાલે ગુરુવારે શહિદ દિવસના કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું.

આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, બિન-ભાજપી નેતાઓ અને પાર્ટીઓ સામે કેસ કરાઈ રહ્યા છે, જેથી તેઓને ખતમ કરી શકાય. કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા ન જોઈએ. સરકારને સવાલો કરવાનું કામ જનતા અને વિપક્ષનું છે.

(10:37 pm IST)