Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સૌથી પહેલીવાર દ્રૌપદીએ બનાવી હતી પાણીપુરી

પાણી પુરીના તાર મગધ સાથે પણ છે જોડાયેલા : ભારતના જુદા-જુદા રાજ્‍યોમાં પાણી પુરી ઓળખાય છે જુદાજુદા નામે

મુંબઇ તા. ૨૪ : ભારત સમગ્ર વિશ્વમાં તેની સંસ્‍કૃતિ અને પરંપરાઓ માટે જેટલું પ્રખ્‍યાત છે એટલું જ અહીંનું ભોજન પણ સમગ્ર વિશ્વને આકર્ષે છે. તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફયુમિયો કિશિદા ભારતીય ભોજનની મજા લેતા જોવા મળ્‍યા હતા. આ દરમિયાન તેમણે ભારતનું પ્રખ્‍યાત સ્‍ટ્રીટ ફૂડ એટલે કે ચાટ પાણી પુરીનો સ્‍વાદ માણ્‍યો હતો. પાણી પુરી એવું સ્‍ટ્રીટ ફૂડ છે ભારતની દરેક ગલીમાં મળે છે. દરેક રાજયમાં તે જુદા નામથી ઓળખાય છે પણ શું તમે જાણો છો કે, આ પાણી પુરીની શોધ કોણે અને ક્‍યારે કરી હતી? જુદા-જુદા રાજયોમાં અલગ અલગ નામોથી જાણીતી પાણી પુરી લગભગ દરેક ભારતીયને પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે પાણી પુરી ઉત્‍સાહથી ખાઓ છો તે કેવી રીતે અસ્‍તિત્‍વમાં આવી? જો નહીં, તો આજે અમે તમને પાણી પુરીના રોચક ઈતિહાસ વિશે જણાવીશું, જેના તાર મહાભારત અને મગધ સાથે જોડાયેલા છે.

પાણી પુરીની ઉત્‍પત્તિ વિશે એક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે. પાણી પુરીની ઉત્‍પત્તિ મહાભારતના યુગમાં થઈ હોવાનું કહેવાય છે. વાસ્‍તવમાં, પાંડવો સાથેના લગ્ન પછી જયારે દ્રૌપદી ઘરે આવ્‍યા ત્‍યારે તેમના સાસુ કુંતીએ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. તે સમય દરમિયાન પાંડવો વનવાસમાં હતા અને ભીક્ષા માંગીને જીવન જીવતા હતા. ઉપરાંત, તેમની પાસે ભોજન માટે ખૂબ જ મર્યાદિત સંસાધનો હતા.

કુંતીએ પરીક્ષણ માટે દ્રૌપદીને થોડા શાકભાજી અને થોડો લોટ આપ્‍યો અને તેને તેમાંથી કંઈક બનાવવા કહ્યું, એવું કંઈક જેનાથી પાંડવોનું પેટ ભરાય. થોડો સમય વિચાર કર્યા પછી દ્રૌપદીને એક વિચાર આવ્‍યો અને તેમણે પાણી પુરી બનાવવાનું નક્કી કર્યું. પછી, દ્રૌપદીએ થોડો લોટ અને શાકભાજીની મદદથી પાણી પુરી બનાવીને પાંડવોને ખવડાવી, જેનાથી તેમનું પેટ સરળતાથી ભરાઈ ગયું હતું અને તેઓ કુંતીની આ પરીક્ષામાં સફળ પણ થયા હતા.

પૌરાણિક કથાઓ પછી, હવે પાણી પુરીની ઐતિહાસિક વાર્તા વિશે વાત કરીએ. પાણી પુરી વિશે એવું પણ કહેવાય છે કે, તેની શરૂઆત મગધમાં થઈ હતી. જો કે, પહેલીવાર કોણે પાણી પુરી બનાવી હતી તે વિશે કોઈ માહિતી ઉપલબ્‍ધ નથી. પરંતુ આમાં થોડું સત્‍ય હોઈ શકે છે કારણ કે, પાણી પુરીમાં વપરાતા મરચા અને બટાટા બન્ને ૩૦૦થી ૪૦૦ વર્ષ પહેલા મગધ સમયગાળા દરમિયાન ભારતમાં આવ્‍યા હતા. શરુઆત જે પણ રીતે થઈ હોય તેનો સવાસ દેશના દરેક રાજયમાં ગલીએ-ગલીએ અને ખુણે-ખુણે ચાખવા મળે છે. જો કે, સ્‍થળ બદલાવવાની સાથે પાણીપુરી બનાવવાની રીત અને તેનું નામ પણ બદલાય જ છે.

પાણી પુરી ભારતમાં લોકપ્રિય સ્‍ટ્રીટ ફૂડમાંનું એક છે. જો કે, તે જુદા જુદા રાજયોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. તેમજ તેને બનાવવાની રીત અને તેનો સ્‍વાદ પણ સ્‍થળ પ્રમાણે બદલાય છે. હરિયાણામાં તેને ‘પાણી પતાશી' તરીકે ઓળખવામાં આવે છે. જયારે મધ્‍ય પ્રદેશમાં તેને ‘પાણીપુરી' અથવા ‘ફૂલકી' કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ‘પાની કે બતાશે' અથવા ‘પડકે', આસામમાં ‘ફુસ્‍કા' અથવા ‘પુસ્‍કા', ઓડિશામાં ‘ગુપ-ચુપ' અને બિહાર  નેપાળ ઝારખંડ બંગાળ અને છત્તીસગઢમાં ‘પુચકા' તરીકે પણ ઓળખાય છે.

(10:09 am IST)