Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મચ્‍છરના ત્રાસમાંથી મુક્‍તિ મેળવવા માટે કેમિકલ પદાર્થોને બદલે ઘરગથ્‍થુ ઉપચાર ફાયદાકારક

લસણની પેસ્‍ટનો સ્‍પ્રેનો છંટકાવ, તુલસી-લીમડાના સુકા પાનનો ધુમાડો કરવાથી મચ્‍છર ભાગી જશે

નવી દિલ્‍હીઃ વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે. ઘણી વખત તો મચ્છર માટે લિક્વિડ રેપેલેન્ટ અને કોઈલ કરવામાં આવે તો પણ મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. જો મચ્છરોનો આ ત્રાસ તમને પણ સતાવી રહ્યો હોય તો મચ્છરથી મુક્તિ મેળવવાના ચાર અચૂક ઉપાય તમને જણાવીએ. આ અસરકારક ઉપાય કરવાથી ઘરમાંથી મચ્છરનો સફાયો થઈ જશે.

મચ્છર ભગાડવાના અચૂક ઉપાય

1. ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

2. મચ્છર ને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

3. તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

4. લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.

(6:47 pm IST)