Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓલિમ્પિક્સના ત્રણ મહિના અગાઉ ટોકિયો સહીત જાપાનના ત્રણ શહેરોમાં ઇમર્જન્સી

કોરોનાના કેસો વધતાં સાવચેતીના ભાગરૂપે સરકારે આ પગલું ભર્યું

ટોકિયો: ઓલિમ્પિક્સની રમત શરૂ થવાને આરે ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે તેને અસર કરે તેવા એક પગલામાં જાપાને રાજધાની ટોકિયો સહિત ત્રણ શહેરોમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. કોરોનાના કેસો વધતાં સાવચેતીના ભાગરૂપે સરકારે આ પગલું ભર્યું છે. જોકે દેશમાં કોરોનાની મહામારીના કેસો અન્ય ઘણાં કેસોની સરખામણીએ સાવ ઓછા છે, પરંતુ તાજેતરમાં જે રીતે તેમાં ઉછાળો થઇ રહ્યો છે તે જોતાં અધિકારીઓ અને મેડિકલ વ્યાવસાયિકોની ચિંતા વધી છે

 . જોકે સરકાર અને ઓલિમ્પિક્સના આયોજકો સમર ગેમ્સને આગળ વધારવા મકકમ છે. વડાપ્રધાન યોશિહિદે સુગાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'આજે અમે ટોકિયો, ક્યોટો, ઓસાકા અને હાઇગો પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરવાનું નક્કી કર્યું છે. આ નવું પગલુ ૨૫ એપ્રિલથી ૧૧ મે સુધી અમલી રહેશે. અમે આ મામલે જાણકારી ભેગી કરી રહ્યા છે.

અમારી પાસે રસી નામના શસ્ત્રો છે. અમને વિશ્વાસ છે કે આ મુશ્કેલ લડાઇનો અંત અવશ્યપણે આવી જશે.'જાપાનના વાયરસ રિસ્પોન્સ માટેના મંત્રી યાસુતોશી નિશિમુરાએ અગાઉ કટોકટી થવાની ચેતવણી જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલના નિયંત્રણો પૂરતા નથી. આ ઇમર્જન્સીને કારણે બાર્સ અને રેસ્ટોરેન્ટ્સ સંપૂર્ણપણે બંધ રહેશે. શરાબના વેચાણ પર પ્રતિબંધ રહેશે અથવા સાંજના આઠ કલાક સુધી દુકાનો બંધ કરી દેવાની રહેશે. મોલ્સ જેવા મોટી કોમર્શિયલ ફેસિલિટીઝના શટર પણ નહિ ખુલે.

(11:25 am IST)