Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કેન્દ્ર સરકાર વેક્સિન અને ઓક્સિજન મુદ્દે ધ્યાન આપે

સ્વાસ્થ્ય સેવાની સ્થિતિ કથળતા વિપક્ષના પ્રહાર : જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીથી અનેક દર્દીનાં મોત પર દુઃખ વ્યક્ત કરતા રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૨૪ : દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગીના કારણે ભારે સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા હોવાથી વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા સલાહ આપી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે અનેક દર્દીઓના મોત થયા તે ખૂબ દુખદ સમાચાર છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મને ગાઢ સંવેદના છે. હું રાજ્ય સરકાર અને કોંગ્રેસી કાર્યકરોને વિનંતી કરૂ છું કે તેઓ પોતાના પરિવારને તમામ સંભવિત મદદ પૂરી પાડે. જયપુર ગોલ્ડન હોસ્પિટલે કરેલા દાવા પ્રમાણે ગઈ કાલે સાંજે ઓક્સિજનની તંગીના કારણે ૨૫ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કોંગ્રેસી નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે સવારે ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકારને ટાર્ગેટ કરી હતી. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારને સદ્ભાવપૂર્વક વિનંતી છે કે તેઓ પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપે. આગામી દિવસોમાં સંકટ વધારે ગાઢ બનશે. તેનો સામનો કરવા માટે દેશે તૈયાર રહેવું પડશે. વર્તમાન દુર્દશા અસહનીય છે.

(7:19 pm IST)